અમદાવાદઃ સુરતમાં માતા-પુત્રી ઉપર બળાત્કાર ગુજારીને તેમની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. કોર્ટે મુખ્ય આરોપીને ફાંસીની અને તેને મદદગારી કરનાર આરોપીને આજીવન કેસની સજા સંભળાવી હતી. મુખ્ય સુત્રધાર હર્ષસહાય રામરાજ ગુર્જર અને તેને મદદ કરનાર હરિઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા હતા. સરકારી વકીલે સમાજમાં દાખલે બેસી તેવી સજા કરવાની માંગણી કરી હતી.
કેસની હકીકત અનુસાર 2018 માં બાળકી અને માતાની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હતી. આ ઘટનાના 4 દિવસ બાદ પુત્રીની લાશ મળી આવી હતી. બંને માતા પુત્રીની ત્યારે ઓળખ થઈ શકી નહોતી તેથી બંને વચ્ચે વચ્ચે કનેક્શન હોવાની પોલીસને પુરેપુરી શંકા હતી. બંનેની ઓળખ માટે પાંડેસરા પોલીસે સમગ્ર દેશમાં 6500 પોસ્ટર લગાવ્યા હતાં. જોકે, 56 સેકન્ડના સીસીટીવી ફુટેજને આધારે સમગ્ર કેસ ડિટેકટ થયો હતો અને આરોપી પકડાયો હતો. આ કેસમાં પોલીસે 43 સાક્ષીઓ, 120 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા હર્ષસહાય રામરાજ ગુર્જર રાજસ્થાનથી એક મહિલા અને તેની પુત્રીને 35 હજારમાં ખરીદીને સુરત લાવ્યો હતો. આ માતા – પુત્રીને પહેલાં પરવટ પાટિયાના અનુપમ હાઇસ્ટ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં કામરેજ નજીક માનસરોવર રેસિડેન્સી બિલ્ડિંગ નંબર -17 ના એક ખાલી ફલેટમાં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી.
મહિલા અને હર્ષસહાય વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા જેથી હર્ષસહાય મહિલાની તેની પુત્રીની નજર સામે જ હત્યા કરી નાખી હતી .બાદમાં પુત્રીને તેના ઘરે લઇ ગયો હતો અને તેની પર અવારનવાર દુષ્કર્મ કરવામાં આવતું હતું. માર મારી રોજ અત્યાચાર ગુજારવામાં આવતા બાળાનું પણ મૃત્યુ થતાં હર્ષસહાય ગુર્જરે તેના ડ્રાઈવર હરિઓમ ગુર્જરની સહાયથી છોકરીની લાશ ને ભેસ્તાનના ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ફેંકી દીધી હતી. માતા પુત્રીની મૃતદેહ અલગ અલગ વિસ્તારોમાંથી ઝાડીમાંથી મળી આવ્યા હતા. બાળકી અને માતાની ઓળખ ડીએનએ ટેસ્ટથી થઇ હતી. બાળકીના શરીરે 78 જેટલા ઇજાના નિશાન મળી આવ્યા હતા.