યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતે નેપાળ અને ટ્યુનિશિયન વિદ્યાર્થીઓને પણ બચાવ્યાં
નવી દિલ્હીઃ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયો ઉપરાંત ભારત સરકાર પડોશી દેશના વિદ્યાર્થીઓને બહાર નીકળવામાં મદદ કરી રહ્યું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપરાંત નેપાળ અને ટ્યુનિશિયન વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી ભારતે બહાર કાઢ્યાં હોવાનું જાણવા મળે છે. નવ બાંગ્લાદેશીઓને બચાવ્યા બદલ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પીએમ મોદીનો આભાર માન્યો હતો.
ભારતે તેના ઈવેક્યુએશન મિશન ‘ઓપરેશન ગંગા’ હેઠળ ચાલી રહેલી વિશેષ ફ્લાઈટ્સ દ્વારા અત્યાર સુધીમાં યુક્રેનમાંથી નવ બાંગ્લાદેશીઓને તેમજ અનેક નેપાળી અને ટ્યુનિશિયન વિદ્યાર્થીઓને બચાવ્યા છે. એક પાકિસ્તાની નાગરિકને પણ ભારતીય સત્તાવાળાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. ભારત ફેબ્રુઆરીના અંતથી યુક્રેનમાંથી તેના નાગરિકો, મુખ્યત્વે વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ દેશના પૂર્વ ભાગોમાં, ખાસ કરીને ઉત્તરપૂર્વીય શહેર સુમીમાં આમ કરવામાં મુશ્કેલી પડી રહી હતી, જ્યાં લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા હતા. યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ ભારતે પડોશી ધર્મ નિભાવ્યો છે અને પડોશી દેશના વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવી રહી છે.