નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની લેટેસ્ટ ટેસ્ટ રેંકિંગ જાહેર કરી છે. મોહાલી ટેસ્ટમાં બોલ અને બેટથી જોરદાર પ્રદર્શન કરનારા રવિન્દ્ર જાડેજા દુનિયાના નંબર-1 ઓલરાઉન્ડર બન્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પણ ટોપ-5માં વાપસી થઈ છે. ટોપ-10માં ટીમ ઈન્ડિયાના 3 બેસ્ટમેનો સમાવેશ થાય છે.
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વેસ્ટઈન્ડિઝના પૂર્વ કેપ્ટન જેસન હોલ્ડરને પાછળ રાખીને નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે. જાડેજાએ મોહાલી ટેસ્ટમાં 175 રન બનાવ્યાં હતા. જે બાદ શ્રીલંકાની બંને ઈનિંગ્સમાં કુલ 9 વિકેટ મેળવી હતી. પ્રથમ ઈનિંગ્સમાં જાડેજાએ શ્રીલંકાની 5 અને બીજી ઈનિંગ્સમાં ચાર વિકેટ લીધી હતી. જાડેજા 406 રેટિંગ પોઈન્ટસ સાથે ત્રીજા ક્રમથી પ્રથમ ક્રમ ઉપર પહોંચી ગયો છે. જ્યારે હોલ્ડર 383 પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે અશ્વિનનો સમાવેશ થાય છે. મોહાલી ટેસ્ટમાં અશ્વિને 6 વિકેટ લેવાની સાથે બેટથી 61 રન પણ બનાવ્યાં હતા.
પૂર્વ કેપ્ટન કોહલીને બેટીંગ રેંકિંગમાં બે સ્થાનનો ફાયદો થયો છે. કોહલી 763 રેટિંગ પોઈન્ટસ સાથે 5માં ક્રમે પહોંચ્યા છે. શ્રીલંકા સામે 100મી ટેસ્ટમાં વિરાટ કોહલીએ 45 રન બનાવ્યાં હતા. આ ઉપરાંત રોહિત શર્મા 761 પોઈન્ટસ સાથે છઠ્ઠા ક્રમે છે. આ ઉપરાંત ઋષભ પંથ એક સ્થાનના ફાયદા સાથે 11માંથી 10માં ક્રમે પહોંચ્યો છે. શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં પંથે આક્રમક 97 રન બનાવ્યાં હતા. પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન યથાવત છે. બીજા નંબર ઉપર ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ અને ત્રીજા ક્રમે સ્ટીવ સ્થિતનો સમાવેશ થાય છે. ચોથા ક્રમે કેન વિલિયમસનનું નામ આવે છે.
ટેસ્ટ બોલિંગમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કર્મિસ 892 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન ઉપર છે. જ્યારે બીજા નંબર ઉપર અશ્વિનનું નામ આવે છે. આ ઉપરાંત ટોપ-10 બોલરોમાં ભારતીય બોલર બુમરાહનો સમાવેશ થાય છે.