ગુજરાતના ઘણા પેટ્રોલ પંપો પર “નો સ્ટોક”ના પાટિયા, પુરતો જથ્થો ન ફાળવાતા સ્થિતિ વણસશે
અમદાવાદ : ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાય તેવી દહેશત ઊભી થઈ છે. કારણ કે પેટ્રોલ પંપોને પુરતો જથ્થો ફાળવાતો ન હોવાથી સૌરાષ્ટ્રના ઘણાબધા પેટ્રોલ પંપ પર નો સ્ટોકના પાટિયા લાગી ગયા હતા. પેટ્રોલપંપ ડિલર એસોસિએશન દ્વારા ચોંકાવનારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી કે, પેટ્રોલ અને ડીઝલનો હાલમાં ગુજરાત અને ભારતમાં સીમિત સ્ટોક છે. ટુંક સમયમાં ક્રુડ ઓઇલની પણ અછત સર્જાય તો નવાઈ નહીં, . જેના કારણે આ અછત લાંબા સમય સુધી રાજ્યમાં રહી શકે છે. અત્રે નોંધનીય છે કે, આ સ્થિતિનું નિવારણ ટુંક સમયમાં આવે તેવી શક્યતા પણ ઓછી છે.
પેટ્રોલપંપ ડિલર એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ટેન્કર્સ ડેપો ખાતે જાય તો છે, પરંતુ ત્યાં જ જથ્થો નહી હોવાનાં કારણે ટ્રક પડ્યાં રહે છે. હવે સ્થિતિ એટલી વણસી ચુકી છે કે, ડેપોની બહાર ટેન્કરોની લાંબી લાઇનો લાગી રહી છે. આ અંગે એસોસિએશનના પ્રમુખે પણ સ્વિકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આવી જ સ્થિતિ રહેશે તો એ દિવસ દુર નથી જ્યારે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ માટે નાગરિકોએ વલખા મારવા પડે. આ અંગે હાલ તો એસોસિએશન દ્વારા ગાંધીનગર સિવિલ સપ્લાય વિભાગ અને ઓઇલ કંપનીઓને પણ રજુઆતો કરવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાતનાં કુલ 7 જિલ્લા અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં પેટ્રોલની અછત ચાલુ થઇ ચુકી છે. જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દેવભુમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો અટકાવી દેવાયો છે. IOC દ્વારા હાલ પુરવઠો પુર્વવત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે આ સપ્લાય ફરી એકવાર પુર્વવત થાય તેમાં સમય લાગી શકે છે તેવું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા જાણ કરવામાં આવી હતી. જો કે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ શાંત ન થાય તો એ દિવસો દુર નથી જ્યારે પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઇનો હશે પરંતુ પંપમાં પેટ્રોલ કે ડીઝલ નહી હોય અથવા તો લોકો બ્લેકમાં પૈસા આપીને પેટ્રોલ ભરાવતા હશે. (file photo)