મોંઘવારીનો માર, મસાલામાર્કેટમાં પણ જોવા મળ્યો જોરદાર વધારો
- મસાલા માર્કેટમાં મોંઘવારીનો માર
- મસાલા મોંઘાથતાં ગૃહણીઓમાં દેકારો
- મસાલાના ભાવમાં 20થી 25 ટકા ભાવવધારો
રાજકોટ: મોંઘવારી હવે મસાલા માર્કેટમાં પણ જોવા મળી છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકો હાલ મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ, તેલ, દૂધ એમ તમામ જીવનજરૂરિયાતની વસ્તુના ભાવ હાલ વધ્યા છે. એવામાં હવે મસાલા પણ મોંઘા થયા છે જેને લઈને ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. ઘરુપયોગી મસાલાના ભાવમાં હાલ 20થી 25 ટકા ભાવવધારો જોવા મળી રહ્યો છે.
જીરું, ધાણા, મરચા, હળદર સહિતના ભાવમાં વધારો થતા હાલ ગ્રાહકી પણ ઓછી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં ગુજરાતના અન્ય પ્રદેશોની સરખામણીએ કમોસમી વરસાદ વધુ વરસ્યો છે. સાથે જ હાલ રશિયા-યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિની અસર પણ મસાલા માર્કેટમાં પડી છે. ત્યારે તેની માઠી અસર કાઠીયાવાડી ભોજનમાં અનિવાર્ય એવા મસાલા પર પડી છે. માવઠાં અને ઠંડી ગરમીની ચિત્રવિચિત્ર ઋતુથી જીરુ, ધાણા જેવા કોમળ પાકને માઠી અસર થઈ છે.
હાલ તમામ ચીજવસ્તુના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે જેની અસર મસાલા માર્કેટના વેપારીઓ પર પણ પડી છે. ગત વર્ષ કરતા આ વર્ષે મસાલા માર્કેટના વેપારીઓને કમાણીમાં પણ 30 ટકા જેટલો ઘટાડો થશે.