ગુજરાતમાં 700 સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક, આદિવાસી વિસ્તાર મોખરે
ગાંધીનગર: ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારનું ઉદાસિન વલણ જોવા મળી રહ્યું છે. કારણ કે અંતરિયાળ ગામડાંની અનેક શાળાઓમાં પુરતા વર્ગ ખંડો નથી. ઘણી શાળાઓ તો એવી છે કે, બાળકોને ઝાડ નીચે બેસાડીને ભણાવવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત રાજ્યની 700 જેટલી સરકારી શાળા માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલે છે. પુરતા શિક્ષકોના અભાવે શિક્ષણ પર માઠી અસર પડી રહી છે.
ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે 700 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એકજ શિક્ષકથી ચાલતી હોવાનો એકરાર કર્યો હતો. કચ્છ જિલ્લામાં સૌથી વધારે 100 શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8નો સમાવેશ થાય છે. ત્યારે એક જ શિક્ષક બધા વિદ્યાર્થીઓને તમામ વિષય કઈ રીતે ભણાવતા હશે તે પણ વિચાર માગી લે તેવો પ્રશ્ન છે.
રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં એક જ શિક્ષક દ્વારા ચાલતી સરકારી પ્રાથમિક સ્કૂલોના આંકડા પર નજર કરીએ તો, કચ્છ બાદ સૌથી વધુ મહિસાગર જિલ્લામાં 74, તાપી જિલ્લામાં 59, સુરત જિલ્લામાં 43, વડોદરા 38, છોટાઉદેપુરની 34, સાબરકાંઠાની 32 સ્કૂલોનો સમાવેશ થાય છે. કુલ 33 જિલ્લામાંથી માત્ર ભાવનગર અને ખેડા જિલ્લા જ એવા છે કે જેની તમામ સ્કૂલોમાં સરકારી ચોપડે એકથી વધુ શિક્ષકો કામ કરે છે. જે જિલ્લામાં આવી સ્કૂલોની સંખ્યા સૌથી વધારે છે તેમાં મોટાભાગના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં રાજ્યમાં બે વર્ષમાં કુલ 86 સરકારી સ્કૂલો બંધ કરાઈ છે અને 491ને મર્જ કરવામાં આવી છે તેવું પણ સરકાર દ્વારા જણાવાયું છે. જેમાં જામનગર જિલ્લામાં સૌથી વધારે 144 સ્કૂલો મર્જ કરાઈ છે. વિપક્ષના આક્ષેપ અનુસાર, એક તરફ સરકાર ખાનગી શાળાઓને નવી મંજૂરીઓ આપી રહી છે ત્યારે બીજી તરફ સરકારી સ્કૂલો બંધ કે મર્જ થતાં આવી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને ઘણા કિસ્સામાં અભ્યાસ છોડી દેવાની પણ ફરજ પડે છે, અથવા તેમના વાલીઓને ઉંચી ફી ચૂકવવી બાળકોને પ્રાઈવેટ સ્કૂલોમાં ભણાવવા પડે છે.
રાજ્યમાં સરકારી સ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનું જેમનું કામ છે તેવા પ્રાથમિક શિક્ષણાધિકારી અને કેળવણી નિરીક્ષકોની પણ અનેક જગ્યા રાજ્યમાં ખાલી પડી હોવાનો સરકારે એકરાર કર્યો છે. આ અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની 193 જગ્યાઓ ભરાયેલી છે જ્યારે 93 ખાલી પડી છે. જોકે, કેળવણી નિરીક્ષકોની ખાલી પડેલી જગ્યાઓનો આંકડો ચિંતાજનક છે. સરકારના જણાવ્યા અનુસાર, આખા રાજ્યમાં ફરજ બજાવતા કેળવણી નિરીક્ષકની સંખ્યા માત્ર 30 છે, જ્યારે તેમની 563 જગ્યાઓ હાલ ખાલી પડી છે. રાજ્યના 17 જિલ્લા તો એવા છે કે જ્યાં કેળવણી નિરીક્ષક જ નથી. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના ભાવનગર જિલ્લામાં કેળવણી નિરીક્ષકનું મંજૂર મહેકમ 42નું છે, જેની સામે 41 જગ્યાઓ ખાલી પડી છે. (file photo)