યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીથી રશિયાને નુકસાનઃ 10 દિવસ સુધી ચાલે તેટલા જ હથિયાર
નવી દિલ્હીઃ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાની સ્થિતિ હવે ધીરે-ધીરે કથળી રહી છે. સંરક્ષણ નિષ્ણાતોનો દાવો છે કે, રશિયા 10 થી 14 દિવસ સુધી આ યુદ્ધ લડવાની સ્થિતિમાં છે. લેટેસ્ટ ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, રશિયા માટે જમીન પકડી રાખવી મુશ્કેલ બની રહી છે. રશિયામાં લડવા માટે માનવબળ અને ઉર્જા બંનેની અછત છે. બ્રિટિશ અધિકારીના જણાવ્યા અનુસાર, જો આ સ્થિતિ ચાલુ રહેશે તો 10-14 દિવસમાં રશિયા નબળું થઈ જશે. તેમણે કહ્યું કે યુક્રેનનું સંરક્ષણ રશિયાના હુમલા ઉપર ભારે પડી રહ્યું છે.
દરમિયાન, મોસ્કોની સેનાએ દાવો કર્યો હતો કે, બધું યોજના મુજબ ચાલી રહ્યું છે. જોકે, રશિયન નેશનલ ગાર્ડ ચીફ વિક્ટર ઝોલ્ટોવે પોતે આ દાવાને નકારી કાઢ્યો છે. પુતિનના અંગત સુરક્ષા પ્રભારી રહી ચુકેલા વિક્ટરએ જણાવ્યું હતું કે, વસ્તુઓ આપણે ઈચ્છીએ તેટલી ઝડપથી થઈ રહી નથી. જો કે, રશિયા આ યુદ્ધમાં જીતશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ પણ તેમના લડવૈયાઓની પ્રશંસા કરી છે. એક વીડિયો સંદેશમાં ઝેલેન્સકીએ કહ્યું કે અમારા બહાદુર રક્ષકો રશિયન દળોને જબરદસ્ત નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં જ ડાઉન થયેલા રશિયન હેલિકોપ્ટરની સંખ્યા 100થી વધુ થઈ જશે. પહેલેથી જ, રશિયન સૈન્યએ 80 ફાઇટર પ્લેન, સેંકડો ટેન્ક અને હજારો અન્ય શસ્ત્રો ગુમાવ્યા છે.
બીજી તરફ રશિયા યુક્રેન પર ભારે બોમ્બમારો કરી રહ્યું છે. કિવ અને ખાર્કિવ શહેરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ પુતિનના સહયોગીઓએ સ્વીકાર્યું કે હુમલો તેમની યોજના મુજબ થઈ રહ્યો નથી. દરમિયાન યુએસ અધિકારીઓનું કહેવું છે કે રશિયન સૈનિકો હવે એટલી ઝડપથી આગળ વધી શકશે નહીં.