ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગીનું બુલડોઝર ફરીથી સક્રિય, કુખ્યાત ગેંગસ્ટરની ગેરકાયદે મિલક્ત તોડી પડાઈ
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસબાની ચૂંટણીમાં ફરીથી ભાજપનો ભવ્ય વિજય થયો છે. સીએમ યોગી આદિત્યનાથની આગેવાનીમાં જ ભાજપની નવી સરકાર રચાશે. જો કે, યોગી શપથ લે તે પહેલા જ તેમનું બુલડોઝર ફરી સક્રિય થયું છે. કુખ્યાત ગેંગસ્ટર બદનસિંહ બદ્દોની ગેરકાયદે ફેકટરી અને બાજારમાં તોડીને જમીનને દબાણ મુક્ત કરાઈ છે.
પોલીસ અને મેરઠ વહીવટી તંત્રના અધિકારીઓએ મેરઠમાં ટીવીનગર વિસ્તારના જગન્નાથપુરીમાં બુલડોઝર લઈને પહોંચ્યાં હતા અને પાર્ક ખાલી કરાવાયું હતું. બદ્દો અને તેના સાગરિતોએ અહીં દબાણ કર્યું હતું. મેરઠના ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ધીમે-ધીમે ભૂમાફિયાએ આ જમીન ઉપર ગેરકાયદે કબજો કરીને રેણુ ગુપ્તા નામે એક ઈમારત બનાવી હતી. વહીવટી તંત્રએ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને ગેરકાયદે દબાણ દૂર કરાયું હતું. આ પહેલા મેરઠ પોલીસ અને વહીવટી તંત્રએ બદનસિંહની કરોડોની ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી હતી.
મેરઠમાં મોસ્ટ વોન્ટેડ બદન સિંહ બદ્દોની સંપત્તિ ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ફરાર બદનસિંહ ઉપર અઢી લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. હવે તંત્ર દ્વારા તેમની ગેરકાયદે સંપતિ જપ્ત કરવામાં આવી રહી છે. મેરઠની જેમ કાનપુરમાં પણ ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કાનપુરમાં તળાવની જમીન ઉપર કબજો કરીને નિર્માણ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં પોલીસ દ્વારા માફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ અનેક કુખ્યાત ગુનેગારોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે. તેમજ તેમની ગેરકાયદે સંપતિ પણ જપ્ત કરવામાં આવી હતી.