1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ, તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો
અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ, તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ, તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં ફાગણ મહિનામાં જ તાપમાનમાં ક્રમશઃ થઈ રહ્યો છે. જેમાં આજે અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં ઉષ્મામાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી જતાં લોકોએ અસહ્ય ગરમી અનુભવી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા 10 વર્ષમાં માર્ચમાં નોંધાયેલું આ બીજું સૌથી વધુ તાપમાન છે. અમદાવાદ ઉપરાંત 9 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં હજુ ત્રણ દિવસ કાળઝાળ ગરમીનું પ્રભુત્વ રહી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં 42  ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં 6 ડિગ્રીથી વધુનો વધારો થયો છે. 10 માર્ચે અમદાવાદમાં 36.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 3 દિવસમાં અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જોકે આગામી 20-21 માર્ચ દરમિયાન ગરમીમાં સાધારણ ઘટાડો અનુભવાઇ શકે છે. રાજ્યમાં ગઈકાલે મંગળવારે જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ગાંધીનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ડીસા, પાટણ, ભૂજ, કંડલાનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રીને પાર થયું હોય તેવું છેલ્લા 10 વર્ષમાં 7મી વખત બન્યું છે. ગત વર્ષે 29 માર્ચના 41.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજકોટમાં 41 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો વધારો થયો છે. રાજકોટમાં ગત વર્ષે 29 માર્ચે 42 ડિગ્રી સાથે માર્ચ મહિનાની સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ ઉપરાંત અમરેલી, જુનાગઢમાં પણ તાપમાન 41 ડિગ્રીને પાર થયું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 5 વર્ષમાં ચોથી વખત માર્ચમાં હીટવેવ નોંધાઈ છે. અમદાવાદમાં મોટે ભાગે 25 માર્ચ પછી ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ પહોંચતો હોય છે, તેને બદલે 15 માર્ચ સુધીમાં રેકોર્ડબ્રેક 41.5 ડિગ્રી ગરમી નોંધાઇ હોય એવું  20 વર્ષમાં પ્રથમવાર બન્યું છે. જેનું મુખ્ય કારણ છે કે, દરિયાની સપાટીથી દોઢ કિલોમીટરના અંતરે એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન રચાયું છે.  જેને લીધે હીટવેવમાં અસામાન્ય વધારો થતાં અમદાવાદ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં તાપમાનમાં વધારો થયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code