પાલિતાણાઃ દેશ વિદેશમાં જૈનોના યાત્રાધામ તરીકે વિખ્યાત અને મંદિરોની તીર્થનગરી પાલીતાણા ખાતે શત્રુંજયની ફાગણસુદ તેરસની છ ગાઉની મહાયાત્રામાં જૈન-જૈનેતર ભાવિકજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જૈનોમાં અતિ મહત્વની ગણાતી ફાગણ સુદ તેરસની મહાયાત્રા અને આદપુર ખાતે ભરાયેલા ઢેબરીયા મેળામાં 60 હજારથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો અને ઉત્સાહ અને શ્રધ્ધાપૂર્વક શત્રુંજય તીર્થની છ ગાઉની મહાયાત્રા કરી હતી. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી છ ગાઉની યાત્રા બંધ રહી હોવાથી આ વર્ષે જૈન-જૈનેતરો ઉમટી પડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલિતાણામાં આજે રાત્રીના ત્રણ કલાકે યાત્રીકોએ જપ તળેટીએ આવી જૈનમ જયતિ શાસન અને આદિશ્ર્વર દાદાની જય હોના નાદ સાથે મહાયાત્રાનો શુભારંભ કર્યો હતો. ફાગણ સુદ 13ની છ ગાઉની મહાયાત્રાનું જૈન સમાજમાં અનેરૂં મહત્વ છે. અને આ પવિત્ર દિવસે આ પાવન ભુમિ પર આવી ધર્મકરણી કરવી અતિ મહત્વની ગણાય છે. આ પ્રસંગે મોટાભાગની ધર્મશાળાઓ હાઉસફૂલ થઇ ગઈ હતી. ગુજરાત તેમજ અન્ય પ્રાંતોમાંથી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, રાજકોટ,ભાવનગર જિલ્લામાંથી યાત્રીકો મોટી સંખ્યામાં આવ્યા હતા.
આણંદજી-કલ્યાણજી પેઠીના સૂત્રોના જણાવ્યા મુજબ યાત્રિકોની સુવિધા માટે પેઢી તરફથી પાણીના પરબો, ઠંડુ તેમજ ઉકાળેલું પાણી, સીક્યોરીટી અને મેડીકલ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત સિધ્ધવડ ખાતે 98 પાલ ઊભા કરવામાં આવ્યા હતા. આદપુર ખાતે ભરાયેલા ઢેબરીયા મેળામાં જે લોકો યાત્રા કરવા ગયેલ નહીં તેઓ સીધા વાહનો દ્વારા ગયા હતા. આદપુર અહીંથી 8 કિ.મી. દૂર છે. સિધ્ધવડ ખાતે 98 પાલ ઉભા કરવામાં આવ્યા હતા. આ પાલમાં જુદી જુદી ખાવાની વસ્તુઓની ભક્તિ કરવામાં આવી હતી. જેના નામથી આ મેળો યોજાય છે.
તેવા આ ઢેબરીયા મેળામાં દહીં, ઢેબરા, છાશ, ચા, ફ્રૂટ, ગુંદી,સેવ, સાકરનું પાણી, ઉકાળો, સુકો મેવો જેવી વિવિધ વસ્તુઓ યાત્રીકોને પીરસવામાં આવ્યા હતા. યાત્રીકો છ ગાઉની યાત્રા પૂર્ણ કરી આદપુર ખાતે પધાર્યા હતા. જ્યાં દરેક યાત્રાળુઓનું સંઘ દ્વારા પગ ધોઇ ચાંદલો કરી સંઘ પુજન કરવામાં આવ્યા હતા. પાલીતાણામાં તેમજ આદપુર મેળામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ફાગણ સુદ તેરસની મહાયાત્રા અને ઢેબરીયા મેળાનો પ્રારંભ સુપેરે સંપન્ન થયો હતો.
છ ગાઉની મહાયાત્રા અને ઢેબરીયા મેળા પ્રસંગે આ.ક. પેઢીના ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. યાત્રીકોની સેવા માટે ભાવનગર પ્રાર્થના યુવકમંડળના સ્વયંસેવકો, પાલીતાણા જૈન યુવક મંડળના સ્વયંસેવકોએ સરાહનીય કામગીરી કરી હતી. કોઇપણ જાતના અનિચ્છનીય બનાવ વગર ઉલ્લાસભેર વાતાવરણમાં છ ગાઉની મહાયાત્રા અને ઢેબરીયો મેળોનો પ્રસંગ શાંતિપૂર્ણ વાતાવરણમાં સુપેરે સંપન્ન થયો હતો. (file photo)