ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોર્ડર સિક્યુરિટી ફોર્સની જાબાંઝ મહિલા કર્મીઓના ‘સીમા ભવાની શૌર્ય એક્સપીડેશન’-‘‘એમ્પાવરમેન્ટ રાઇડ 2022’’ને બીએસએફ ગુજરાતના હેડકવાર્ટર ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. નવી દિલ્હીના ઇન્ડીયા ગેટથી ગત 8મી માર્ચ, આંતર રાષ્ટ્રિય મહિલા દિવસે 35 જેટલી ડેર ડેવિલ બાઇકર્સ ટીમની સાહસિક સફર શરૂ થઇ છે. દિલ્હીથી 5280 કિ.મીનું અંતર કાપી વિવિધ રાજ્યોમાં થઇને આ 35 જેટલી બાઇકર્સ 30 માર્ચે તામિલનાડુના કન્યાકુમારી પહોચવાની છે.
બીએસએફની આ મહિલા બાઇકર્સ ટીમ ગુજરાત બીએસએફ હેડકવાર્ટર આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને સફળતાની શુભેચ્છાઓ પાઠવી આગળના પ્રયાણ માટે ફલેગ ઓફ કરાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીની પ્રેરણાથી આ વર્ષે ઊજવાઇ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અવસરે દેશની એકતા અખંડિતતાને નવું જોમ આપતી આ મહિલા બાઇકર્સને નારી શક્તિ,સામર્થ્યનું આગવું પ્રતિક ગણાવી હતી. મુખ્યમંત્રીએ દેશમાં રક્ષા ક્ષેત્રે તથા સુરક્ષા બળોમાં મહિલાશક્તિની વધતી સહભાગીતાની સફળતાનો શ્રેય વડાપ્રધાનના પ્રોત્સાહન અને માર્ગદર્શનને આપ્યો હતો.
તેમણેવધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષમાં દેશના પોલીસ દળ અને કેન્દ્રીય સુરક્ષા બળમાં મહિલાઓની ભાગીદારી બમણી થઇ છે. 2014માં 1 લાખ પાંચ હજારની સંખ્યા હતી તે 2020માં બે લાખ 15 હજાર થઇ ગઇ છે.મુખ્ય મંત્રીએ સરહદના સંત્રી તરીકે ફરજરત બોર્ડર સિક્યુરિટી ફોર્સની આ મહિલા બાઇકર્સ 350સી.સી.ની રોયલ અનફીલ્ડ મોટર સાયકલ સવાર તરીકે પોતાના અપ્રતિમ સાહસ અને શૌર્ય માટે પ્રખ્યાત છે તે માટે પણ અભિનંદન આપ્યા હતા.
આંતર રાષ્ટ્રિય મહિલા દિવસે 35 જેટલી બાઇકર્સ ટીમની સાહસિક સફર શરૂ થઇ હતી. દિલ્હીથી 5280 કિ.મીનું અંતર કાપી વિવિધ રાજ્યોમાં થઇને આ 35 જેટલી બાઇકર્સ 30 માર્ચે તામિલનાડુના કન્યાકુમારી પહોચવાની છે.