રાજ્યમાં સસ્તો, ઝડપી અને સરળ ન્યાય માટે સરકાર કટિબદ્ધ છે: કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કાયદા વિભાગનું રૂ. 1740 કરોડની જોગવાઇનું અંદાજપત્ર રજૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે વર્ષ 2003-2004માં ન્યાયતંત્ર માટેનું બજેટ જે માત્ર 140.19 કરોડનું હતું તેમાં આશરે 1241 ટકાનો જંગી વધારો કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને સસ્તો, ઝડપી અને સરળ ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. છેવાડાનો માણસ પણ ન્યાયથી વંચિત ન રહે, જરુરીયાતમંદ નાગરીકોને કાનુની સહાય મળી રહે તે માટે આવશ્યક પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યના નાગરિકને સસ્તો, સરળ, ઘરઆંગણે ન્યાય મળી રહે તે માટે હાલની સરકાર કટીબધ્ધ છે. આ સરકાર રાજ્યમાં સુસાશન જાળવવાની નીતિ અનુસરીને ન્યાયપાલિકાને વધુ મજબૂત બનાવવા માટેની પ્રતિબધ્ધત્તાથી કામગીરી કરી રહી છે. ન્યાયિક પ્રક્રિયા પણ સરળ થાય અને આર્થિક વિવાદોનું ઝડપી નિરાકરણ આવે તે હેતુથી રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષોમાં જે રીતે વિવિધ કાયદાઓ હેઠળ ગુજરાતના લગભગ તમામ તાલુકાઓમાં અને પ્રત્યેક જિલ્લે કોર્ટોની સ્થાપના કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રજાના ન્યાયિક હક્કો માટે જાગૃત આ સરકાર છે અને એટલા માટે જ રાજ્યના નાનામાં નાના તાલુકાથી લઈને મોટા શહેરો સુધી વિશાળ ફલક પર નવી કોર્ટોના બિલ્ડીંગો, તે બિલ્ડીંગોમાં ડિઝીટલાઇઝેશન જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવેલા છે. આધુનિક ટેકનોલોજીથી અદાલતોના રેકર્ડનું કમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. આ કમ્પ્યુટરાઇઝેશનથી વહીવટી પારદર્શિતા આવશે આ માટે રૂ.10.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યું કે નામ.કોર્ટમાં ભરવાપાત્ર કોર્ટ ફી પહેલા રૂબરૂ જઇને લેવી પડતી હતી. જ્યારે આ સરકાર દ્વારા જ્યુડીશીયલ સ્ટેમ્પ ફી ઓનલાઇન મળી રહે તે માટે ઇ-કોર્ટ ફીની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. જેથી પક્ષકારો,વકીલો જ્યુડીશીયલ સ્ટેમ્પ નેટબેન્કીગ, યુપીઆઇ,ડેબીટ કાર્ડ,ક્રેડીટ કાર્ડ વગેરે માધ્યમથી કોર્ટ ફી ઘરે બેઠા જ ખરીદી કરી શકશે.
તેમણે ડિજિટલાઇઝેશનના ફાયદા અંગે જણાવ્યું કે કોમર્શીયલ કોર્ટના ઓર્ડરો ઓનલાઇન ડીઝીટલ સાઇન સાથે મુકવામાં આવે છે. જેથી કરીને હુકમોની પ્રમાણિત નકલો ઓનલાઇન મેળવી શકે છે. રાજ્યની 25 જિલ્લા અદાલત ખાતે સ્ટુડિયોબેઝ વિડિયો કોન્ફરંન્સની સુવિધા ચાલુ છે અને અન્ય 07 જિલ્લામાં પણ આ સુવિધા વધારવાની પ્રક્રિયા હાલમાં ગતિમાં છે. તે જ રીતે રાજ્યની 23 જેલોમાં પણ ઇ-કોર્ટ મિશન મોડના માધ્યમ દ્વારા આરોપીઓની હાજરી નામ. અદાલતો દ્વારા નોંધી શકાય તે માટે આધુનિક સુવિધા યુક્ત સ્પીકર અને માઇકની સાથે કેમેરા પુરા પાડેલ છે. જેના કારણે, પક્ષકારોનો સમય અને અવર-જવરનો ખર્ચ બચે છે.
તેમણે સ્પેશ્યલ કોર્ટોની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે સમયની માંગને અનુલક્ષીને અને બદલાતા ગુનાના પ્રકારો અને ગુનો આચરનારની બદલાતી માનસિકતાને ધ્યાનમાં રાખીને નવા કાયદાઓ ઘડવામાં આવેલ છે. અને તે કાયદા હેઠળના કેસો ઝડપથી ચાલે તે માટે ખાસ કોર્ટોની સ્થાપના કરવામાં આવેલ છે. જેમાં જુદી જુદી સામાજિક સમસ્યાઓને લઇ કાયદાને અનુરૂપ 745 જેટલી કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. વધુમાં, હાલમાં જ નામ. હાઇકોર્ટની દરખાસ્ત અન્વયે નવી 26 કોર્ટોને પોક્સો કોર્ટ તરીકે ડેઝીગનેટ પણ કરવામાં આવેલ છે.