ઐતિહાસિક પુરાતત્વ સ્થળોની ધરોહર ધરાવતું વડનગર જીવંત નગર તરીકે પ્રસ્થાપિત થયું: હર્ષ સંઘવી
અમદાવાદઃ તાનારીરી પરફોર્મિંગ આર્ટસ કોલેજમાં ચાલતા અભ્યાસક્રમો સંદર્ભે વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના જન્મસ્થળ એવા વડનગરમાં અનેક મહત્વના રાષ્ટ્રીય સ્મારકો આવેલા છે. વડનગર એ પુરાતત્વની દ્રષ્ટીએ એક આગવી અજાયબી છે ત્યારે વિશ્વને આકર્ષિત કરનારી આ નગરી પુરાતત્વના અભ્યાસ કરનાર માટે મહત્વની સાબિત થઈ છે. જેમાં અજપાલ કુંડ (ગૌરી કુંડ), અર્જુન બારી દરવાજો અને કીર્તિ તોરણ ઉપરાંત તાના-રિરિની સમાધિ, હાટકેશ્વર મહાદેવ, જૈન દેરાસર (હાથી દેરા), શર્મિષ્ઠા તળાવ, બોદ્ધકાલીન અવશેષ, વડનગર મ્યુઝિયમ, આમથેર માતા મંદિર સહિતના અનેક ઐતિહાસિક સ્થળોની ધરોહર ધરાવતું વડનગર જીવંત નગર તરીકે પ્રસ્થાપિત થયું છે. એટલું જ નહીં, ગુજરાત સર્કિટ સંગ્રહાલય સહિતના અનેક પ્રકલ્પો વડનગરમાં આયોજન હેઠળ છે. 15 એકર વિશાળ જમીનમાં એક મ્યુઝિયમ પણ બનવા જઈ રહ્યું છે. તે ઉપરાંત અહીં ઐતિહાસિક વડનગર વન પણ તૈયાર થઈ રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વડનગરની તાના અને રીરી નામની બે બહેનો સંગીતમાં ખૂબ જ પ્રવિણ હતી. અકબરનાં નવ રત્નો પૈકીના તાનસેનનો દિપક રાગ ગાવાથી ઉત્પન્ન થયેલો દાહ આ બંને બહેનોએ મલ્હાર રાગ ગાઈને શમાવ્યો હતો. વિશ્વ પ્રસિદ્ધ આ બંને સંગીત તજજ્ઞ બહેનોના નામ સાથે વડનગરમાં તાનારીરી પરફોર્મિંગ આર્ટસ કોલેજની સ્થાપના કરવામાં આવી છે. આ કોલેજ તા. 26 નવેમ્બર 2020ના રોજ સ્થાપના કરવામાં આવી જેમાં, બેઝિક સર્ટીફીકેટ કોર્ષ, સર્ટિફિકેટ કોર્ષ, ડિગ્રી અને ડિપ્લોમા કોર્ષ અંતર્ગત વિવિધ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. આ કોલેજમાં ગાયન, તબલા, કથ્થક, લોકનૃત્ય, હાર્મોનિયમ અને કીબોર્ડના વિષયના કોર્ષ પર અભ્યાસક્રમ ચાલી રહ્યા છે.