ચૂંટણી નજીક આવતા શંકરસિંહ વાઘેલા સક્રિય બન્યા, કહ્યુ કે, ભાજપને હરાવવા માટે બે મહિના પૂરતા
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. અને વહેલી ચૂંટણીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે રાજકારણના અઠંગ ખેલાડી ગણાતા અને બાપુના હુલામણા નામે ઓળખાતા શંકરસિંહ વાઘેલા રાજકારણમાં સ્રકિય થયા છે. દિલ્હીમાં કોંગ્રેસના અસંતુષ્ટોની બેઠકમાં હાજરી આપ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને હરાવવા માટે બે મહિના પણ મારા માટે પુરતા છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડ્યા બાદઘણા સમયથી નિષ્ક્રિય છે. બુધવારે દિલ્હીમાં કોંગ્રેસના અસંતુષ્ટ એવા જી-23 તરીકે ઓળખાતાં નેતાઓને મળીને આવ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસમાં લીડરશીપ ક્રાઇસિસ છે. કોંગ્રેસને ખબર જ નથી કે શું કરવાનું છે, પરંતુ જો અલગ-અલગ પક્ષો સાથે મળીને લડે તો માત્ર બે મહિનામાં ભાજપને સત્તાથી દૂર કરી શકાય. બે મહિના પછી ચૂંટણી આવે તો પણ ભાજપને ગુજરાતની ગાદી ખાલી કરવી પડે. આમ કહી આડકતરી રીતે વાઘેલાએ વહેલી ચૂંટણીનો સંકેત આપ્યો પરંતુ આ બાબતે સ્પષ્ટરીતે કાંઇ કહેવાની ના કહી દીધી.
વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક પક્ષોએ અને સંગઠનોએ પોતપોતાની રીતે ગુજરાતમાં લડવાની જરૂર છે. હું કોંગ્રેસમાં હોઇશ કે નહીં તેનાથી કોઇ ફરક પડતો નથી પરંતુ હું ભાજપ વિરોધી જૂથમાં જ હોઇશ. એ નક્કી છે, અહીં તકલીફ એ છે કે ભાજપ પાસે મની અને મસલ પાવર બન્ને છે તેમ છતાં તેઓ પોતાના કાર્યકર્તાઓને સતત દોડાવે રાખે છે અને બેસવા દેતા નથી. તેને બદલે કોંગ્રેસમાં તો કોઇને ખબર જ નથી શું કરવું. હજુ પણ માત્ર બે મહિના યોગ્ય રીતે પ્રયાસ થાય તો ભાજપ ગુજરાતમાંથી સત્તા બહાર હશે.
તેમણે કહ્યું કે અહેમદ પટેલ હતા ત્યાં સુધી કોંગ્રેસ ઠીક ચાલી પણ પછી બધું યોગ્ય થયું નહીં. જી-23ના નેતાઓ નારાજ છે અને આ અંગે કાંઇક વિચાર થવો જોઇએ. પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશની ચૂંટણીની કમાન સોંપી અને તે મિસફાયર થઇ ગયું. ગાંધી પરિવારના એક નેતા તેમાં વેડફાઇ ગયા. પંજાબમાં પણ રાહુલ ગાંધીએ ચાલું રેસમાં ઘોડા બદલી નાંખ્યા અને તેનું ખોટું પરિણામ આવ્યું. તેમણે સ્પષ્ટતા પણ કરી કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ગાંધી પરિવાર માટે મને સન્માન છે, હું કોંગ્રેસનો વિરોધી નથી.