રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં ઘઉંની આવક શરૂ, ગતવર્ષ કરતા વધુ ભાવ મળતા ખેડુતો ખૂશ
રાજકોટઃ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે. રાજકોટના બેડી યાર્ડમાં છેલ્લા 15 દિવસમાં 46,950 ક્વિન્ટલ ઘઉંની આવક થઇ છે. આમાં લોકવન અને ટુકડા બન્ને ઘઉંનો સમાવેશ થઈ જાય છે. લોકવન કરતા ટુકડા ઘઉંની આવક 24,500 ક્વિન્ટલ વધુ નોંધાઈ છે. જોકે એપ્રિલ બાદ હજુ આ આવક વધવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે. અત્યારે 20 કિલો લોકવન ઘઉંમાં 458 અને ટુકડા ઘઉંનો રૂ. 481 સરેરાશ ભાવ છે. જે ગત વર્ષે અનુક્રમે 357 અને 382 રૂપિયા હતો. ભાવ ઉંચા મળતા ખેડૂતો પણ હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ, ભાવનગર, જામનગર, સહિત માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ છે. અને ગત વર્ષ કરતા ખેડુતોને વધુ ભાવ મળી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ઘઉં સહિતની જણસી લઈને યાર્ડે પહોંચી રહ્યા છે. જોકે ભાવ હજુ ઉંચા જશે. એક અંદાજ મુજબ બેડી યાર્ડમાં 15 દિવસમાં ઘઉંમાં અંદાજિત રૂ.50 કરોડનો વેપાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમ યાર્ડના એક ડિરેક્ટરે જણાવ્યું હતું. જોકે આ ખરીદી સ્થાનિક કક્ષાએ અને નિકાસ બન્નેમાં છે.
સૌરાષ્ટ્રના ધાણા માટે રશિયા- યુક્રેન પર જ આધાર રાખવો પડે છે. યુદ્ધ બાદ ધાણાના ભાવમાં વધારો આવ્યો છે. હાલ બેડી યાર્ડમાં ધાણાનો ભાવ રૂ.2050 સુધી બોલાઈ રહ્યો છે. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં ધાણાનો ભાવ રૂ.1440 થી લઇને રૂ.2380 સુધીનો હતો. જોકે હવે મસાલાની સિઝન શરૂ થતી હોય ભાવ જળવાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સ્થાનિક ઘઉં ઉપરાંત મધ્ય પ્રદેશના ઘઉં પણ ખપી જાય છે. દર વર્ષે મધ્ય પ્રદેશના ઘઉં આવે છે. આ ઘઉં ટ્રેન મારફતે અહીં સુધી આવે છે ગત વર્ષે 11000 મેટ્રિક ટન ઘઉંની ખરીદી ટેકાના ભાવે થઇ હતી. તેમ સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે.