1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરના કોલાવડાથી મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ યોજનાનો કરાવ્યો પ્રારંભ
ગાંધીનગરના કોલાવડાથી મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ યોજનાનો કરાવ્યો પ્રારંભ

ગાંધીનગરના કોલાવડાથી મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ યોજનાનો કરાવ્યો પ્રારંભ

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના કોલવડા ગામેથી કરાવ્યો હતો. ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવા ઉમદા હેતુસર લોકજાગૃતિ કેળવવા વર્ષ 2018થી આ જળ અભિયાન ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવે છે.

દેશના આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ ના ઉપલક્ષ્યમાં આ વર્ષે ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાન 75 દિવસ સુધી લોકભાગીદારીથી હાથ ધરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળસંપત્તિ વિભાગના સહયોગથી 6 જેટલાં વિભાગોએ સાથે મળીને આ અભિયાન ઉપાડયું છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કોલવડા ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીનો આરંભ કરાવી આ જળ અભિયાન વિધિવત રીતે શરૂ કરાવ્યું હતું. પાંચમા તબક્કાના આ સુજલામ સુફલામ જળ અભિયાન અન્વયે તા. 31 મે 2022 સુધીમાં સમગ્ર રાજ્યમાં 13 હજારથી વધુ કામ હાથ ધરવામાં આવશે. તળાવો ઉંડા કરવા, ચેકડેમના ડિસીલ્ટિંગ ના કામો, જળાશયના ડિસીલ્ટિંગના કામો, નદીઓના કાંસની સાફ-સફાઈ કરી પુનઃ જીવીત કરવાના કામો, ચેકડેમ રીપેરીંગ તેમજ નવા ચેકડેમ જેવા જળસંચયના કામો સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કરવામાં આવે છે

આ વર્ષે આવા કામો દ્વારા જળસંગ્રહ શક્તિમાં 15 હજાર લાખ ઘન ફૂટ જેટલો વધારો થવાનો અંદાજ છે. સાથે જ મનરેગા હેઠળ થનારા કામોમાં આ અભિયાન અંદાજે 25 લાખ કરતાં વધુ માનવદિન રોજગારી પૂરી પાડશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડીને ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે. ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ યોજના, નર્મદા કેનાલ નેટવર્ક, સૌની યોજના જેવા જળસંચય, જળસિંચન અને જળસંગ્રહ આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. ખેડૂતોના ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે. એટલું જ નહીં હવે ખેડૂત ત્રણેય સીઝનમાં પાક લેતો થયો છે આ બધાની સફળતાના પાયામાં વડાપ્રધાનનું દ્રષ્ટિવંત જળ વ્યવસ્થાપન રહેલું છે.

તેમણે વધુમાં કહ્યુ કે, આ સુજલામ સુફલામ્ અભિયાનને પરિણામે ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે અને માત્ર માનવી જ નહિ પશુ પંખી સૌ ને પૂરતું પાણી મળતું થશે. આપણે પાણી બચાવી, વીજળી બચાવી દેશ સેવા કરી શકીએ. એટલું જ નહિ જળ આત્મનિર્ભરતા દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર કરવા પણ તેમણે પ્રેરણા આપી હતી. રાજ્યમાં આ જળ અભિયાનના ચાર તબક્કા જન સહયોગથી જવલંત સફળતાને વર્યા છે

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 થી વર્ષ 2021 ના વર્ષોમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત 56698 કામો થયા છે. 21402‌ તળાવો ઉંડા કરવાના અને નવા તળાવોના કામો તથા 1204 નવા ચેકડેમના કામો અને 50353 કિલોમીટર લંબાઇમાં નહેરો અને કાંસની સાફ-સફાઈના કાર્યો કરવામાં આવ્યા છે. 4 વર્ષમાં આ કામોના પરિણામે કુલ 61781 લાખ ઘન ફૂટ જેટલો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે આ ઉપરાંત 156.93 લાખ માનવદિન રોજગારી ઊભી થઈ છે.

મુખ્યમંત્રીએ ઓછા પાણીએ તથા રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી સાચા અર્થમાં ધરતીમાતાને સુફલામ સુજલામ બનાવવા આ અભિયાનમાં વધુને વધુ લોકો જોડાય તેવું પ્રેરક આહવાન કર્યું. આ અભિયાનના પ્રારંભ અવસરે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ઉપ મેયર પ્રેમલસિંહ ગોલ, ધારાસભ્ય શંભુજી ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ,જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપ ભાઈ, મુખ્ય સચિવ પંકજ કુમાર, તેમજ શહેર અને જિલ્લાના સંગઠન પદાધિકારીઓ, જળ સંપત્તિ સચિવશ્રી પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code