અમદાવાદમાં BRTS બસ સ્ટેન્ડમાં સાફસફાઈના કોન્ટ્રાક્ટના મામલે ભષ્ટ્રાચારનો કોંગ્રેસે કર્યો આક્ષેપ
અમદાવાદઃ શહેરમાં જાહેર પરિવહન સેવા બીઆરટીએસ અવાર નવાર વિવાદોમાં રહેતી હોય છે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ઓપરેટ કરાતી BRTS બસ અને બસસ્ટેન્ડમાં સાફ-સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જેમાં છેલ્લા 10 વર્ષથી માત્ર બે જ કંપનીઓને કોન્ટ્રાકટ આપવાને લઈ વિપક્ષે કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે. વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, મ્યુનિ, કોર્પોરેશનના ભાજપના શાસકો અને કોન્ટ્રકટરોની સાંઠગાંઠથી BRTSમાં છેલ્લા 10 વર્ષથી નવા ટેન્ડર બહાર પાડવાની જગ્યાએ બે જ કંપનીને કોન્ટ્રકટ આપી દેવામાં આવે છે. બસ કે બસ સ્ટેન્ડની આસપાસ ક્યાંય સાફસફાઈ થયેલી જોવા મળતી નથી છતાં દર વર્ષે 2.40 કરોડ જેટલી માતબર રકમ કંપનીઓને ચુકવવામાં આવે છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, જનમાર્ગ લિમિટેડ હસ્તક ચાલતી BRTS બસ તથા બસ સ્ટેન્ડની સાફસફાઈ સહિતની કામગીરી માટે હાઉસકિપિંગની શક્તિ સેનેટરી એન્ડ હેલ્થ તથા હેત ચીન્ટ નામની સંસ્થાને છેલ્લા 10 વર્ષથી સતત એક તરફી કામગીરી આપવામાં આવી રહી છે. વર્ષ 2012થી હાઉસકીપિંગ કામગીરી માટે કોઇપણ જાતનું ટેન્ડર બહાર પાડ્યા વગર જનમાર્ગ લિમિટેડના અધિકારીઓએ આ એક-બે સંસ્થાઓને કામગીરી રાજકીય દબાણ હેઠળ આપી દેવાની કાર્યવાહી કરી છે. સાફસફાઇના નામે દર મહિને રૂ. 20 લાખના હિસાબે વર્ષે રૂ. 2.40 કરોડ જેટલી માતબર રકમ આ બન્ને સંસ્થાને ચુકવવામાં આવે છે.
નાગરિકોની ટેક્સની રકમમાંથી આટલી મોટી રકમનો ખર્ચ છેલ્લા 10 વર્ષથી કરવામાં આવી રહ્યો છે તેમ છતાં BRTSની બસ તેમજ બસ સ્ટેન્ડ પર કચરો અને ગંદકીનું પ્રમાણ ખુબ જોવા મળી રહ્યું છે. BRTSમાં સાફ સફાઇના કામમાં બે કંપનીઓના રાજને લઈ તેને દૂર કરી નવેસરથી ટેન્ડર બહાર પાડવું જોઇએ તેમજ આ બે કંપનીઓને કયા કારણથી આ કામગીરી જનમાર્ગના અધિકારીઓ આપવાનો આગ્રહ રાખે છે તેની તપાસ થવી જોઇએ તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરાઈ છે.