ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે મોટા ભાગનાં જળાશયો અડધાં જ ભરેલાં, સૌની યોજના આશીર્વાદરૂપ બનશે
અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના પ્રારંભથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. અને એપ્રીલ-મેમાં કાળઝાળ ગરમી પડવાના એંધાણ છે, ત્યારે રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીનો જથ્થો અડધો જ બચ્યો છે.ઘણા ડેમના તો તળિયા દેખાવા લાગ્યા છે. સૌરાષ્ટ્રમાં તો મોટાભાગના ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવશે, એટલે ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા હલ કરી શકાશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પાણીની સૌથી વધુ સમસ્યા ઊભી થાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં ગયા વર્ષે સારોએવો વરસાદ પડ્યો હતો. મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. છતાં ઉનાળાના પ્રારંભે મોટાભાગના જળાશયો અડધા જ ભરાયેલા છે. ત્યારે પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં નડે પણ સિંચાઈ માટે પાણી આપી શકાશે કે કેમ તે એક પ્રશ્ન બની રહેશે. ગુજરાતની જીવાદોરી નર્મદા જિલ્લાનો સરદાર સરોવર ડેમ છે. અત્યારે એમાંથી ગુજરાતનાં કેટલાંક જળાશયોમાં પાણી ઠલવાય છે. સરદાર સરોવર ડેમ પણ અડધો ભરેલો છે. ગુજરાતના બાકીના ડેમ પણ માંડ અડધા ભરેલા છે. આ વખતનો ઉનાળો તો જેમ-તેમ પસાર થઈ જશે, પણ જો આવતા વર્ષે વરસાદ નહીં આવે તો રાજ્યમાં પાણીની મોટી સમસ્યા સર્જાઈ શકે છે.
રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં પણ ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. સરકારે પાણીની સમસ્યા હલ કરવા માટે આયોજન કર્યું છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી નર્મદા યાજનામાંથી પુરૂ પાડવામાં આવતું હોવાથી પીવાના પાણીની કોઈ સમસ્યા નડશે નહીં. દક્ષિણ ગુજરાતમાં પણ પાણીનો જથ્થો પુરતો છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી ઊભી થાય તેવી શક્યતા છે. (file photo)