નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 27 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનવાસીઓ પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષીત સ્થળો તરફ આશરો લઈ રહ્યાં છે. તેમજ લાખો લોકોએ અત્યાર સુધીમાં યુક્રેનમાંથી હિજરત કરી છે. લગભગ 33 લાખ લોકોએ યુક્રેન છોડ્યુ હોવાનો સંયુક્ત રાષ્ટ્રએ દાવો કર્યો છે. બીજી તરફ યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીને પગલે રશિયા ઉપર અમેરિકા અને યુકે સહિતના દેશોએ આકરા પ્રતિબંધ ફરમાવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર યુક્રેન સંકટને લઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું તાત્કાલિક સત્ર બુધવારથી શરૂ થશે. ફ્રાન્સ, બ્રિટેન અને અમેરિકા સહિત 22 સભ્ય દેશોએ સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખ્યો હતો અને બેઠક બોલાવવાની માંગણી કરી હતી. બીજી તરફ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરનારા રશિયા સામે અમેરિકા અને બ્રિટેન સહિતના દેશોએ આકરા પ્રતિબંધ લગાવ્યાં છે. જ્યારે ભારતે પોતાનું સ્ટેન્ડ સ્પિયર કરીને શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવવા માટે બંને દેશને અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં રશિયા સામે મતદાનથી ભારત દૂર રહ્યું હતું. દરમિયાન અત્યાર સુધીમાં યુક્રેનમાંથી 33 લાખ લોકોએ હિજરત કર્યું હોવાનું જાણવા મળે છે.
રશિયાના સમર્થનથી ચાલતી એક વેબસાઈટ અનુસાર રશિયાના લગભગ 10 હજાર સૈનિકોના મોતનો ઉલ્લેખ કરાયો હતો. જો કે, વેબસાઈટે દાવો કર્યો હતો કે, તેમની વેબસાઈટ હેક કરીને અંદર ખોટી માહિતી આપવામાં આવી છે. દરમિયાન રશિયાની સેનાએ યુક્રેનના વિવિધ શહેરો ઉપર બોમ્બ અને મિસાઈલથી હુમલા કર્યાં છે. આ હુમલાને પગલે યુક્રેનના અનેક શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે.