નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધને 28 દિવસ થઈ ગયા છે. યુક્રેને આંકડો જાહેર કર્યો છે અને જણાવ્યું છે કે તેણે રશિયાને અત્યાર સુધીમાં કેટલું નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 15,600 રશિયન સૈનિકોને માર્યા ગયા છે. જ્યારે 1008 સશસ્ત્ર વાહનો, 4 જહાજો, 47 એરક્રાફ્ટ વોરફેયર સિસ્ટમ્સ, 101 એરક્રાફ્ટ, 124 હેલિકોપ્ટર, 517 ટેન્ક, 42 UAV અને 15 વિશિષ્ટ સાધનોનો નાશ કરાયાં છે. દરમિયાન ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે, જો રશિયાને અસ્તિત્વ માટેના જોખમનો સામનો કરવો પડશે, તો તે માત્ર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે.
રશિયન સેનાએ કિવના ઓબોલોનમાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે બે ઈમારતો અને એક ટ્રકમાં આગ લાગી હતી. લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મારીયુપોલમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર બચાવના પ્રયાસો વચ્ચે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. લગભગ એક મહિના પહેલા રશિયન આક્રમણ શરૂ થયું હતું. હ્યુમન રાઇટ્સ વોચએ સ્થાનિક અધિકારી દ્વારા આપવામાં આવેલા ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે વ્યૂહાત્મક શહેરમાં 200,000 થી વધુ લોકો ફસાયેલા છે. 22 માર્ચે 1,200 થી વધુ રહેવાસીઓને મેરીયુપોલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશચુકના જણાવ્યા અનુસાર, 15 બસોની મદદથી રશિયન સૈન્ય દ્વારા ઘેરાયેલા મારિયુપોલ બંદરેથી લોકોને સુરક્ષિત રીતે ઝાપોરિઝ્ઝ્યા સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
યુક્રેન સામે રશિયાએ 28 દિવસ પહેલા સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. સૈન્ય કાર્યવાહીને પગલે અમેરિકા અને બ્રિટેન સહિતના દેશોએ નારાજગી વ્યક્ત કરીને અનેક આકરા પ્રતિબંધ ફરમાવ્યાં છે.