ઉત્તરપ્રદેશઃ યોગી 2.0 સરકારમાં કેશવ મોર્ય અને ડો.દિનેશ શર્માને રિપીટ કરાશે ?
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ, યોગી આદિત્યનાથ આવતીકાલે સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે. આ ઉપરાંત સંભવતઃ 45 મંત્રીઓ પણ શપથ લે તેવી શકયતા છે. યોગી આદિત્યનાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શપથ ગ્રહણ સમારોહ પહેલા તેમના કેબિનેટ માટેના નામોને અંતિમ રૂપ આપ્યું હતું. એવી અટકળોને ફગાવી દીધી છે કે કેબિનેટના નામો પર મતભેદને કારણે શપથ ગ્રહણ અટકી ગયું છે. સૂત્રોએ જણાવ્યું કે યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટના નામો પર “સંપૂર્ણપણે સહમત” છે. સૂત્રોએ જણાવ્યું કે ભાજપે હજુ સુધી નાયબ મુખ્યમંત્રીઓના નામ પર કોઈ નિર્ણય લીધો નથી. કેશવ મૌર્ય અને દિનેશ શર્મા વર્તમાન પદ પર ચાલુ રહેશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
ઉત્તર પ્રદેશમાં પાર્ટીના સૌથી મોટા OBC ચહેરાઓમાંથી એક કેશવ મૌર્ય આ વખતે ચૂંટણી હારી ગયા છે. જ્યારે દિનેશ શર્માએ ચૂંટણી લડી ન હતી. આ નવી કેબિનેટમાં OBC (અન્ય પછાત વર્ગ) અને SC/ST મંત્રીઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિધાન પરિષદના ઘણા સભ્યો પણ મંત્રી બને તેવી શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે કેબિનેટ વિસ્તરણને પછીથી અવકાશ મળશે. ઉત્તર પ્રદેશમાં ભાજપે તેના સાથી પક્ષો સાથે મળીને 403માંથી 274 બેઠકો જીતી હતી. આ સાથે જ રાજ્યમાં સતત બીજી વખત સરકાર બનાવનાર ત્રણ દાયકામાં તે પ્રથમ પક્ષ બની ગયો છે. શપથ ગ્રહણ સમારોહ લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં યોજાશે. તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને દેશભરના અન્ય ટોચના રાજકારણીઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. શપથવિધી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.