રાજકોટ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ બે મહિલાને હડફેટે લીધી, 3 દિવસમાં ચાર બનાવો બન્યા
રાજકોટઃ શહેરમાં રખડતા ડોરનો ત્રાસ વધતો જાય છે. બે દિવસમાં જ રખડતા ઢોરએ બે મહિલાને હડફેટે લીધી હતી. શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાર્ટર નજીક બે આખલાઓ ઝધડો કરતા હતા ત્યારે બે મહિલાઓને હડફેટે લીધી હતી. કેશરબેન મુછડિયા અને ભાણીબેન મુછડિયા નામના મહિલાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં ચાર વ્યક્તિઓને રખડતા ઢોરોએ ઈજા પહોંચાડી હતી, અને એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
રાજકોટ શહેરમાં રખડતા ઢોર જાહેર રોડ-રસ્તાઓ પર અડ્ડો જમાવતા હોય છે. તેથી વાહનચાલકોને ખૂબજ મુશ્કેલી પડતી હોવા છતાં મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર કોઈ પગલા લેતુ નથી. શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાર્ટર નજીક બે આખલાઓ ઝધડો કરતા હતા ત્યારે બે મહિલાઓને હડફેટે લીધી હતી મહિલાના પરિવારજનોના કહેવા પ્રમાણે બંન્ને મહિલાઓ તેના ઘર પાસે ઉભી હતી.ત્યારે આખલાઓએ બે મહિલાઓને હડફેટે લીધા હતા. બે મહિના પહેલા આ વિસ્તારમાં ઢોર પકડ પાર્ટી આવી હતી. પરંતુ ત્યારબાદ કોઇ ઢોર પકડવા માટે આવ્યું નથી.આ વિસ્તારમાં રખડતાં ઢોરનો ત્રાસ ખુબ જ વધારે છે. જેને લઇને યોગ્ય કાર્યવાહી કરવાની માગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.
રાજકોટ શહેરમાં રખડતાં ઢોર મામલે માલધારી સમાજે દોષનો ટોપલો મ્યુનિ.કોર્પોરેશનની ઢીલી કામગીરી પર નાખ્યો છે. માલધારી સમાજના અગ્રણીઓના કહેવા પ્રમાણે શહેરમાં ઢોરનો ત્રાસ છે, જે આખલાઓ છે. પરંતુ મ્યુનિ.ના અધિકારીઓ આખલાઓને પકડવાને બદલે ગાયોને પકડી પાડે છે. માલધારી સમાજ પણ આખલાઓને પકડવા માટે સહયોગ આપશે તેવો દાવો કર્યો છે. મહત્વનું છે કે રાજકોટમાં માલધારી વસાહત અને એનિમલ હોસ્ટેલની વાત વર્ષોથી પેન્ડીંગ રહી છે ત્યારે માલધારી સમાજે માલધારી વસાહતની માગ કરી છે.
રાજકોટ મહાનગરપાલિકા દર મહિને સરેરાશ એક હજાર જેટલા ઢોર પકડતા હોવાનો દાવો કરી રહ્યા છે. રાજકોટની ઢોર પકડ પાર્ટી દ્વારા દરરોજ બે શિફ્ટમાં બે અલગ અલગ ટીમો બનાવીને રખડતાં ઢોરને પકડી રહ્યા છે અને તેને ઢોર ડબ્બામાં અને ત્યાંથી પાંજરાપોળમાં મોકલવામાં આવી રહ્યા છે. જોકે આટલી કામગીરી કરવા છતાં પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. રાજકોટના મેયર પ્રદિપ ડવે આ અંગે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી રહ્યા છે અને રખડતાં ઢોર પકડાય તો તેના દંડની રકમ વધારવા અંગેનો નિર્ણય લેવામાં આવશે તેવો દાવો કરી રહ્યા છે.