લખનૌમાં પોલીસની બંદૂક બોલી, કુખ્યાત ગુનેગાર એન્કાઉન્ટરમાં ઠાર મરાયો
લખનૌઃ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પદના થપથ ગ્રહણ કરે તે પહેલા જ રાજધાની લખનૌમાં પોલીસની બંદુક બોલી હતી. પોલીસે કુખ્યત ગુનેગાર રાહુલ સિંહને હસનગંજ વિસ્તારમાં એક અથડામણમાં ઠાર માર્યો હતો. રાહુલ સિંહ ઉપર અલીગંજ જ્વેલર્સ લૂંટ કેસનો આરોપ હતો. આ લૂંટ દરમિયાન તેણે એક કર્મચારીની હત્યા પણ કરી હતી. રાહુલ સિંહ ઉપર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે વહેલી સવારે હસનગંજ વિસ્તારમાં ઘેરી લીધો હતો. જે બાદ બંને તરફથી ફાયરિંગ શરૂ થયું હતું. અલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધા રોડ ઉપર થયેલી અથડામણમાં રાહુલ સિંહ ઘાયલ થયો હતો. જેથી તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું.
ગયા વર્ષે અલીગંજમાં એક જ્વેલર્સની દુકાનમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી. જેમાં રાહુલ સિંહ પણ સંડોવાયેલો હતો. રાહુલ પાસેથી શોરૂમમાંથી લૂંટવામાં આવેલા દાગીના પણ જપ્ત કરાયાં હતા. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી પિસ્ટલ અને જીવતા કારતુસ જપ્ત કર્યાં હતા. રાહુલ સિંહના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો.
ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર યોગી સરકાર બનતા રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબુત બનાવવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. તેમજ ગુનેગારોને ઝડપી લેવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા જ ઉત્તરપ્રદેશમાં કુખ્યાત ગુનેગાર મનીષસિંહ ઉર્ફે સોનુને પોલીસે એન્કાઉન્ટમાં ઠાર માર્યો હતો. તેની સામે 30થી વધારે ગુના નોંધાયેલા હતા.