શક્તિપીઠ બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 1લી એપ્રીલથી ચૈત્રી નવરાત્રી , 14મીથી ભાતીગળ મેળો યોજાશે
મહેસાણાઃ જિલ્લામાં આવેલા શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.. યાત્રાધામ બેચરાજી ખાતે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 1 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન ચૈત્રી નવરાત્રી ઊજવાશે. જેમાં 2જી એપ્રિલે ઘટસ્થાપન અને 7મી એપ્રિલ શતચંડી યજ્ઞનો પ્રારંભ થશે. પરંપરાગત ભાતીગળ મેળો 14 એપ્રિલથી 16 એપ્રિલ યોજાશે. કોરોનાકાળ દરમિયાન બે વર્ષ માતાજીની પાલખી તેમજ મેળો બંધ રહ્યો હતો. કોરોનાનું સંક્રમણ નહિવત થતા ચૈત્રી ઉત્સવના આયોજનથી ભક્તોમાં ખુશી વ્યાપી ગઈ છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા બહુચર માતાજીના મંદિરમાં તા. 1લી એપ્રિલને શુક્રવાર, ફાગણ વદ અમાસના રોજ મંદિર પ્રક્ષાલન વિધી બપોરે 12-00 કલાકે થશે. ત્યારબાદ 2જી એપ્રિલના રોજ સવારે 07-30 કલાકે ઘટસ્થાપન વિધી થશે. શતચંડી યજ્ઞનો પ્રારંભ 07 એપ્રિલ અને ચૈત્ર સુદ છઠના રોજ સવારે 10-30 કલાકે થશે. શતચંડી યજ્ઞની પૂર્ણાહુતિ ચૈત્ર સુદ આઠમ એટલે કે 09 એપ્રિલની સાંજે 05 કલાકે થશે. માતાજીની આઠમની પાલખી 09 એપ્રિલને શનિવારના રોજ રાત્રે 09-30 કલાકે થશે. માતાજીના આઠમનું પલ્લી ખંડ નૈવૈધ ચૈત્ર સુદ આઠમ અને શનિવારની તારીખ 09 એપ્રિલના રોજ રાત્રે 12 કલાકે યોજાશે. જ્વારા ઉત્થાપન વિધી 11 એપ્રિલની સવારે 07-30 કલાકે થશે. પૂનમની પાલખી ચૈત્ર સુદ પૂનમને શનિવારના રોજ 16 એપ્રિલના રોજ રાત્રે 09-30 વાગ્યે નીજ મંદિરથી નીકળી શંખલપુર મુકામે જશે. તેમજ ચૈત્રી પૂનમનો પરંપરાગત લોકમેળો 14 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધાર્મિક ગ્રંથો અનુસાર, ચૈત્ર નવરાત્રી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે, જે નવમી તિથિ સુધી ચાલે છે. આ વખતે ચૈત્રી નવરાત્રિ 1 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલશે. આ 9 દિવસો દરમિયાન દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી ના 9 દિવસોમાં, ભક્તો માતાને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કરે છે અને અન્ય રીતે પણ માતાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. નવરાત્રિના પહેલા દિવસે ઘાટ એટલે કે કલશની સ્થાપના કરવામાં આવે છે, સાથે જવારા પણ વાવવામાં આવે છે. આ પછી જ નવરાત્રિ ઉત્સવ શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે આ સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ લાવે છે.