અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ બાકી વસુલાત ઝુંબેશથી મ્યુનિ. કોર્પો.ની આવક 1111.59 કરોડે પહોંચી
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનનો સૌથી મોટો આવકનો સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. શહેરના ઘણા નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આળસ દાખવતા હોય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સના બાકીદારો સામે સિલિંગ ઝૂંબેશ હાથ ઘરી હતી. મ્યુનિ. ટેક્સ વિભાગે 31મી માર્ચ 22ના પૂરા થતાં નાણાકીય વર્ષનો ટાર્ગેટ પૂરો કર્યો છે. ગઈકાલે શુક્રવારે વધુ 368 જેટલી મિલકતોને સીલ કરાઇ હતી. મ્યુનિ.એ છેલ્લા બે મહિનામાં જ 20973 જેટલી મિલકતો સીલ કરી હતી. મ્યુનિ.ની આક્રમક કાર્યવાહીને કારણે અત્યાર સુધીમાં મ્યુનિ.ની પ્રોપર્ટી ટેક્સની આવક રૂ.1111.59 કરોડે પહોંચી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા બે મહિનાથી મ્યુનિ.એ ટેક્સના બાકીદારોને વ્યાજ પર માફી યોજના અમલી બનાવી છે. ત્યારે પણ કેટલાંક બાકીદારો તેનો લાભ નહી લેતાં તંત્રએ સીલિંગ ઝુંબેશ આદરી હતી. આ સીલિંગ ઝુંબેશના ભાગ રૂપે આજે મધ્ય ઝોનમાં 82, ઉ.પશ્ચિમ ઝોનમાં 110, પશ્ચિમ ઝોનમાં 80 જેટલી મિલકતોને સીલ કરી છે. જ્યારે છેલ્લા બે મહિનામાં સૌથી વધારે 4294 મિલકતો પશ્ચિમ ઝોનમાં સીલ કરી છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદમાં છેલ્લા 2 મહિનામાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 4294, દક્ષિણ-પશ્ચિમમાં 3467, ઉત્તર-પશ્ચિમમાં 3542, ઉત્તરમાં 2985, મધ્યમાં 2848, પૂર્વમાં 1935 અને દક્ષિણ ઝોનમાં 1902 મળી 20973 મિલકતો સીલ કરી છે. મ્યુનિ.ને પ્રોફેશનલ ટેક્સ પેટે 192 કરોડ, વાહન ટેક્સ પેટે 129 કરોડની આવક થઈ છે. શહેરમાં જકાત બંધ કર્યા બાદ સરકાર તરફથી ખાસ ગ્રાન્ટ આપવામાં આવે છે. તદઉપરાંત રાજ્ય અને કેન્દ્ર દ્વારા પણ અનુદાન મળતુ રહે છે. આમ મ્યુનિ.કોર્પોરેશનને કરોડો રૂપિયાની આવક થાય છે. બીજી બાજુ વિકાસના કામો માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.