ગાંધીનગરઃ જિલ્લાના દહેગાન નજીક રખિયાલ હાઈવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. બાદમાં કાર પલટી ખાઈને દૂર જઈ પડી હતી. આ અકસ્માતમાં કારનો ખુરદો બોલી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં મહેસાણાના કારચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા. બાદમાં સ્થાનિક લોકોએ 108ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ કારચાલકનું મોત થઈ ચૂક્યુ હતુ. બાદમાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, દહેગામ પાસે રખિયાલ હાઈવે પર બબલપુરા પાસે આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. એક કારચાલક પૂરપાટ ઝડપે હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. એ સમયે કોઈ કારણોસર કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. અને કાર એક ઝાડ સાથે ધડાકાભેર સાથે અથડાઈ હતી. બાદમાં હાઈવે નજીક આવેલા ગળનાળામાં પલટી ખાઈને પડી હતી. ઝાડ સાથે થયેલી ટક્કર એટલી ભયંકર હતી કે કારનો ખુરદો બોલી ગયો હતો. આ ઘટનાના પગલે આસપાસના લોકો તરત મદદ માટે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ કારચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકોએ 108ને જાણ કરી હતી. 108 ઘટના સ્થળે પહોંચી હતી. 108ની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે કારચાલકનું મોત નીપજ્યુ હતુ.
આ અકસ્માતની જાણ થતા રખિયાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, મૃતક કારચાલક મહેસાણાનો વતની હતો. મૃતકનું નામ ગૌરાંગ હરગોવિંદભાઈ સાગર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.(file photo)