અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી 3 દિવસ હિટવેવ, તાપામન 42 ડિગ્રી વટાવી જવાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતભરમાં ગરમીમાં ક્રમશઃ વધારો થતો જાય છે. માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં હિટવેવની આગાહી કરી છે. આવતીકાલે 28, 29 અને 30 માર્ચ સુધી કચ્છ, અમદાવાદ, ગાંધીનગર તથા બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છ અને બનાસકાંઠામાં ઓરેન્જ અને અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં હિટવેવની આગાહી છે. આ જિલ્લાઓમાં કો-મોર્બિડ લોકો, વૃદ્ધો તથા નાના બાળકોને તડકામાં બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે, તથા લોકોને લાઈટ કલરના અને લૂઝ કોટનના કપડા પહેરવા અને બપોરના સમયે બહાર જતા માથાના ભાગને કવર કરવા કહેવાયું છે. નોંધનીય છે કે 28, 29 અને 30 માર્ચે અમદાવાદનું તાપમાન અનુક્રમે 40-42 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની સંભાવના છે.
રાજ્યમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે પણ તાપમાનમાં વધારો નોંધાયો હતો. અને આવતીકાલે સોમવારથી તાપમાન વધવાની શક્યતાહોવાથી લોકોને તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે. કાલથી ધો.10 અને 12ની પરીક્ષા પણ શરૂ થઈ રહી છે. ત્યારે શાળાઓમાં પણ પંખાની વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યુ છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમી કાળો કહેર વર્તાવી રહી છે. હીટવેવની સાથે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. જેથી આગામી 2થી 3 દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 28 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમ અને સૂકા પવનો ફૂંકાતા તાપમાનમાં 2થી 4 ડિગ્રી વધી શકે છે. શનિવારે 41.7 ડિગ્રી તાપમાન સાથે ભૂજ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યા હતા. અમદાવાદમાં પણ 41.2 ડિગ્રી સાથે અગવર્ષા જોવા મળી હતી. દિવસ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી વધીને 41.2 ડિગ્રી થઇ ગયું હતું. કાળઝાળ ગરમીના લીધે બપોરના સમયે લોકોને કામ વગર બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી છે. તો લોકો પણ ગરમીથી બચવા બપોરના સમયે ઘરમાં જ પૂરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે હીટવેવથી બચવા માટે વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાનું આગ્રહ રાખવા તબીબો સલાહ આપી રહ્યા છે.