રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પોતાની રીતે હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપી શકે છેઃ કેન્દ્ર સરકાર
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપી શકે છે. એક અરજીની સુનાવણીમાં કેન્દ્રીય લઘુમતી મંત્રાલયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, જે રીતે ખ્રિસ્તી, શીખ, મુસ્લિમ, બૌદ્ધ, પારસી અને જૈનોને રાષ્ટ્રીય સ્તરે લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો છે તેવી જ રીતે રાજ્યોને ભાષાકીય અથવા પછી સંખ્યાના આધારે હિન્દુઓને લઘુમતીનો દરરોજો આપી શકે છે. કેન્દ્ર સરકારે એક અરજીના જવાબમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં આ માહિતી આપી છે.
કેસની હકીકત અનુસાર રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ અધિનિયમની કલમની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. અરજદારે જણાવ્યું હતું કે, કલમ 2(f) કેન્દ્રને અપાર સત્તા આપે છે, જે સ્પષ્ટપણે મનસ્વી, અતાર્કિક અને નુકસાનકારક છે. અરજદારે દેશના વિવિધ રાજ્યોમાં લઘુમતીઓની ઓળખ માટે માર્ગદર્શિકા ઘડવાના નિર્દેશોની માંગ કરી છે. તેમની દલીલ એ છે કે લદ્દાખ, મિઝોરમ, લક્ષદ્વીપ, કાશ્મીર, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પંજાબ અને મણિપુરમાં યહૂદીઓ, બહાઈઓ અને હિંદુ ધર્મના અનુયાયીઓ તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરી શકતા નથી. આ યોગ્ય નથી.
લઘુમતી બાબતોના મંત્રાલયે તેના જવાબમાં કહ્યું છે કે હિન્દુ, યહૂદી, બહાઈ ધર્મના અનુયાયીઓ આ રાજ્યોમાં તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી શકે છે. રાજ્યમાં લઘુમતી તરીકે તેમની ઓળખને લગતી બાબતો રાજ્ય સ્તરે ધ્યાનમાં લેવામાં આવશે. મંત્રાલયે એ દાવાને પણ નકારી કાઢ્યો હતો કે કલમ 2(f) કેન્દ્રને અપાર સત્તા આપે છે.