ઉત્તરપ્રદેશમાં BJPની જીતની ખુશીમાં મીઠાઈ વહેંચનાર મુસ્લિમ યુવાનની પડોશીઓએ કરી હત્યા
લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો અને ફરીથી મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથએ શપથ ગ્રહણ કર્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતની ખુશીમાં બાબર આલમ નામના યુવાને મીઠાઈ વહેંચી હતી. તેમજ જય શ્રી રામના નારા પણ લગાવ્યાં હતા. જેથી નારાજ પડોશીઓએ તેને માર મારીને તેની હત્યા કરી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પડોશીઓ અને પરિચીતોએ યુવાનને માર મારીને તેની હત્યા કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કુશીનગરના રામકોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કઠધહરી ગામમાં લોકોએ માર મારતા ગંભીર રીતે ઘવાયેલા બાબર આઝમ નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના ભાઈ ચંદે આલમે જણાવ્યું હતું કે, 10મી માર્ચના રોજ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી અને ફરીથી ભાજપની સરકાર બની હતી જેની ખુશીમાં બાબરે લોકોમાં મિઠાઈ વહેંચી હતી. જેથી પડોશીઓ નારાજ થયાં હતા. દરમિયાન તા. 20મી માર્ચના રોજ બાબર દુકાનથી ઘરે આવ્યા બાદ જોર જોરથી જય શ્રીરામ બોલ્યો હતો. જેથી પટ્ટીદાર અજીમુલ્લાહ, આરિફ, તાહિદ, પરવેઝ તથા તેમના સાગરિતોએ બાબરને માર માર્યો હતો.
મૃતકની પત્ની ફાતમાએ જણાવ્યું હતું કે, પડોશમાં રહેતા પુરુષોની સાથે મહિલાઓએ પણ બાબરને માર માર્યો હતો. જેથી જીવ બચાવવા બાબર છત ઉપર ચડી ગયો હતો. પરંતુ પડોશીઓ છત ઉપર ચડી ગયા હતા અને તેને માર મારીને નીચે ફેંકી દીધો હતો. મૃતકની માતા ઝેબિન્નિશાએ કહ્યું હતું કે, છત ઉપર નીચે પડતા બાબરને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે વધુ સારવાર માટે લખનૌ લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું.