નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની બહારના 34 લોકોએ મિલકતો ખરીદી છે. તેમ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ હાજી ફઝલુર રહેમાનના પ્રશ્નના જવાબમાં સંસદમાં જણાવ્યું હતું. અગાઉ જમ્મુ-કાશ્મીરમાં દેશના અન્ય રાજ્યના લોકો મિલકતની ખરીદી કરી શકતા ન હતો. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા આર્ટીકલ 370 અને 3(એ) દૂર કર્યો હતો. તેમજ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે પણ પગલા ભરવામાં આવી રહ્યાં છે.
કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે ગૃહમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, “જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કલમ 370 નાબૂદ થયા પછી કેન્દ્રશાસિત પ્રદેશની બહારના 34 લોકોએ ત્યાં મિલકતો ખરીદી છે.” આ મિલકતો જમ્મુ, રિયાસી, ઉધમપુર અને ગાંદરબલ જિલ્લામાં છે.
અગાઉ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને કારણે અન્ય રાજ્યોના લોકો મિલકત ખરીદી શકતા ન હતા. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, કેન્દ્ર સરકારે કલમ 370 ની જોગવાઈઓ નાબૂદ કરી હતી. કલમ 370ની જોગવાઈઓ નાબૂદ કર્યા પછી, કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમીન અને મિલકત ખરીદવા માટેના કાયદામાં ફેરફાર કર્યો હતો. આ નવા કાયદાના અમલ બાદ અન્ય રાજ્યોના લોકોને પણ જમ્મુ-કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદવાની મંજૂરી મળી ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં મૂડી રોકાણ વધવાની સાથે સ્થાનિકોને રોજગારી મળી રહે તેવા પ્રયાસો પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ એક વિદેશી ડેલીગેશન જમ્મુ-કાશ્મીર આવ્યું હતું. તેમજ અહીં મૂડી રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી.