નેપાળના વડાપ્રધાન ભારતની મુલાકાતે, પીએમ મોદી સહિતના આગેવાનો સાથે કરશે બેઠક
નવી દિલ્હીઃ પડોશી દેશ નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા આજથી ત્રણ દિવસના ભારતના પ્રવાસે આવ્યાં છે. તેમનું દિલ્હી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જુલાઈ 2021માં પીએમ બન્યાં બાદ આ તેમની પ્રથમ દ્રીપક્ષીય વિદેશ યાત્રા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. એટલું જ નહીં ભારતના ઉદ્યોગ સાહસિકો સાથે પણ મુલાકાત કરશે. શેર બહાદૂર દેઉબા ભારત પ્રવાસ દરમિયાન કાશીનો પણ પ્રવાસ કરશે. નેપાળના વડાપ્રધાનની સાથે તેમની પત્ની અને પ્રતિનિધિ મંડળ પણ ભારત આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નેપાળના વડાપ્રધાન અને તેમની સાથે એક પ્રતિનિધિ મંડળ ખાસ ભારતની મુલાકાતે આવ્યું છે. બંને દેશ વચ્ચે વિકાસ અને આર્થિક ભાગીદારી, વેપાર, પાવર, કનેક્ટિવિટી અને અન્ય મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તર પર ચર્ચા કરાશે. દેઉબાની ત્રણ દિવસીય મુલાકાત અંગે મંત્રાલયે કહ્યું કે, આ મુલાકાત નેપાળ અને ભારત વચ્ચેના બહુપક્ષીય, જૂના અને સૌહાર્દપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરશે. દેઉબા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે અને વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળશે. વડાપ્રધાન મોદી વડાપ્રધાન દેઉબા માટે લંચનું આયોજન કરશે. દેઉબા નવી દિલ્હીમાં ઉદ્યોગ સાહસિકોને પણ મળશે. દેઉબા નેપાળ પાછા ફરતા પહેલા 3 એપ્રિલે વારાણસી (કાશી) જશે.
ભારત અને પડોશી દેશ નેપાળ વચ્ચે વર્ષોથી સંબંધ સારા રહ્યાં છે. દરમિયાન નેપાળના ભારત પ્રવાસને પગલે બંને દેશો વચ્ચેનો સંબંધ વધારે મજબુત બનશે.