અમદાવાદઃ અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે
અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપની ફરી સત્તા સંભાળી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેથી ભાજપ દ્વારા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી દિવસો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય મંત્રી ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 9મી એપ્રિલના રોજ રાતના અમદાવાદ આવી પહોંચે તેવી શકયતા છે. તા. 10 અને 11 એપ્રિલ એમ બે દિવસ અમિત શાહ ગુજરાતમાં કોરાણ કરશે. આ બે દિવસ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 10 એપ્રિલે ગાંધીનગરમાં નવનિર્મિત ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ ગુજકોમાસોલના અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચા કરશે. આ ઉપરાંત ગાંધીનગરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને નેશનલ ફોરેન્સિક સાઇસન્સ યુનિવર્સીટીના પણ કાર્યક્રમમાં હાજર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમિયાન ભાજપના સિનિયર નેતાઓ સાથે પણ આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરે તેવી શકયતા છે. ચાલુ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી ભાજપની જીતનો પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દાવો કર્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપની જીતનો દાવો કર્યો હતો.