આવી રીતે ભણશે ભારત, ટેક્સ્ટબુક ઑફ સોશિયોલોજી ફોર નર્સીસમાં દહેજ પ્રથાના ફાયદાનો પાઠ
નવી દિલ્હીઃ ઇતિહાસમાં સ્ત્રીધન તરીકે ઓળખાતી પ્રથા હાલમાં દહેજ પ્રથામાં ફેરવાઈ ગઈ છે. સમાજને આ કુરિવાજમાંથી નીકાળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમજ સરકાર દ્વારા દહેજ પ્રથાને લઈને આકરા કાયદા બનાવવામાં આવ્યાં છે જેનો દેશની પોલીસ દ્વારા અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન B.Sc નર્સિંગના પુસ્તક “ટેક્સ્ટબુક ઑફ સોશિયોલોજી ફોર નર્સીસ” માં દહેજ પ્રથાના ફાયદાની ગણતરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે ખરાબ દેખાતી છોકરીઓના દહેજને કારણે સારા છોકરાઓના લગ્ન થઈ જાય છે. પાઠ્યપુસ્તકમાં દહેજ પ્રથાના ફાયદાને લઈને લખવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ તાત્કાલિક આ પાઠને પાઠ્યપુસ્તકમાંથી દૂર કરવાની માંગણી કરવામાં આવી રહી છે.
I request Shri @dpradhanbjp ji to remove such books from circulation. That a textbook elaborating the merits of dowry can actually exist in our curriculum is a shame for the nation and its constitution. https://t.co/qQVE1FaOEw
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) April 3, 2022
આ પુસ્તકના કેટલાક પેજના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં દહેજ પ્રથાના ફાયદા સ્પષ્ટ મુદ્દાવાર રીતે જણાવવામાં આવ્યા છે. આ અંગે રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ રાજ્યસભામાં વાત કરી હતી અને શિક્ષણ મંત્રીને આ અંગે માહિતી આપી હતી. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે દહેજ નવા ઘરની સ્થાપનામાં મદદરૂપ છે. પથારી, ગાદલા, ટીવી, પંખા, ફ્રીજ, વાસણો, કપડાં અને કાર પણ આપવાનો રિવાજ છે. તે ભારતના ઘણા ભાગોમાં દહેજ તરીકે જોવા મળે છે. છોકરીને તેના માતા-પિતાની મિલકતનો એક ભાગ દહેજ તરીકે આપવામાં આવે છે. દહેજના કારણે છોકરીઓમાં શિક્ષણનો વધારો થઈ રહ્યો છે. આમ દહેજના બોજથી બચવા માતા-પિતાએ તેમની દીકરીઓને ભણાવવાનું શરૂ કર્યું છે. જેથી છોકરીઓ ભણશે અને નોકરી કરશે ત્યારે દહેજની માંગ ઓછી થશે. આ તેનો અપ્રત્યક્ષ ફાયદો છે. ખરાબ દેખાતી છોકરીઓ આકર્ષક દહેજ સાથે સારા કે ખરાબ દેખાતા છોકરા સાથે લગ્ન કરે છે.
રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ બીએસસી બીજા વર્ષના પુસ્તક પાઠ્યપુસ્તક ઑફ સોશિયોલોજી ફોર નર્સની સામગ્રીને શરમજનક ગણાવી છે. તેણે આ અંગે ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર પણ લખ્યો છે. તેમણે કહ્યું છે કે આ મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ છે. આવું નબળું લખાણ ભણાવવામાં આવી રહ્યું છે. આ આશ્ચર્યજનક છે. આ દેશ અને બંધારણ માટે શરમજનક બાબત છે.