બિહારઃ એમએલસીના અપક્ષ ઉમેદવાર ઉપર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો, એકનું મોત
નવી દિલ્હીઃ બિહારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની 24 બેઠકો માટે મતદાન યોજાયું હતું. દરમિયાન મોડી સિવાનના એમએલસીના અપક્ષ ઉમેદવાર રઈસ ખાન પર એકે 47 વડે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ હુમલામાં એક બાઇક સવારનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. આમાં રઈસ ખાનના બે સમર્થકોનો સમાવેશ થાય છે. રઈસ ખાનનો આ હુમલામાં બચાવ થયો હતો.આ ઘટનાના વિરોધમાં ગ્રામજનોએ સીવાનના મહારાણા ચોક ખાતે ચક્કાજામ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સીવાન જિલ્લામાં અપક્ષ એમએલસી ઉમેદવાર રઈસ ખાનના કાફલા પર ગોળીબારનો મામલો સામે આવ્યો છે. હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના માહુલ ગામમાં અજાણ્યા શખસોએ કરેલા ગોળીબારમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે એકનું મોત થયું હતું. મૃતકની ઓળખ વિનોદ કુમાર યાદવ તરીકે થઈ છે. આ ઘટનામાં તૈયબ અલી ઉર્ફે બબલુ ખાન અને ફૂલન નામની બે વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. જેમાં બબલુની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન, ઘટનાના વિરોધમાં સવારે ગ્રામજનોએ સિસ્વાનમાં મહારાણા ચોકને બ્લોક કરી દીધો હતો. એમએલસી ઉમેદવારે કહ્યું કે તેના પર એકે-47 વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, એક સાથે ચાર-પાંચ 47 પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગામના એક માસૂમ છોકરાનું મોત થયું હતું. મતદાન બાદ મતપેટીઓ જમા થયા બાદ પરત ફરતી વખતે આ ઘટના બની હતી.