પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડથી વધારે મકાનોનું નિર્માણઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ દેશના દરેક ગરીબને પાકું મકાન આપવાના સંકલ્પના ભાગરૂપે જન-જનભાગીદારી દ્વારા ત્રણ કરોડથી વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, “દેશના દરેક ગરીબને પાકું મકાન આપવાના અમારા સંકલ્પમાં અમે એક મહત્વપૂર્ણ તબક્કો નક્કી કર્યો છે. ત્રણ કરોડથી વધુ મકાનોનું નિર્માણ લોકોની ભાગીદારીથી જ શક્ય બન્યું છે. પાયાની સુવિધાઓ ધરાવતા આ મકાનો પણ આજે મહિલા સશક્તિકરણનું પ્રતિક બની ગયા છે.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ સાથે એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ (ગ્રામીણ) યોજના હેઠળ અત્યાર સુધીમાં 2.52 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે અને આ માટે 1.95 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય બહાર પાડવામાં આવી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દરેક લાભાર્થીને એલપીજી કનેક્શનની સુવિધા પણ આપવામાં આવી છે.
તેમણે કહ્યું કે આ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં અત્યાર સુધીમાં 58 લાખ મકાનો બનાવવામાં આવ્યા છે. આ માટે 1.18 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય જારી કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઘરની માલિકી મહિલા સભ્ય અથવા સંયુક્ત નામે હોય છે. દરેક ઘરમાં રસોડું, શૌચાલય અને પાણીની સુવિધા ઉપલબ્ધ છે.