ગુજરાતઃ ધો-10ની પરીક્ષાના મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ, 24 હજારથી વધારે શિક્ષકો જોડાશે
અમદાવાદઃ ગુજરાતમાં 34,000 થી વધુ શિક્ષકોએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું જાણવા મળે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા લેવામાં આવી રહેલી બોર્ડની પરીક્ષા મંગળવારે સમાપ્ત થશે. ધોરણ 10ની પરીક્ષાની નકલનું મૂલ્યાંકન કરવા માટે 24,700 શિક્ષકો માટે 174 કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. તેવી જ રીતે, 9,000 શિક્ષકો 60 કેન્દ્રો પર ધોરણ 12 ની પરીક્ષાની નકલોનું મૂલ્યાંકન કરશે. તેમજ ધોરણ 12ની પરીક્ષાની નકલનું મૂલ્યાંકન 13 એપ્રિલથી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરિણામોની જાહેરાતમાં કોઈ વિલંબ ન થાય તે માટે પેપરો વહેલા મૂલ્યાંકન માટે લેવામાં આવ્યા છે. શિક્ષકો દ્વારા કુલ 54 લાખ પરીક્ષાની નકલોનું મૂલ્યાંકન કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત બોર્ડ દ્વારા ધો-10 અ 12ની બોર્ડની પરીક્ષાઓનું આયોજન કર્યું છે. ચાલુ વર્ષે ધો-10માં 9.70 લાખથી વધારે વિદ્યાર્થીઓ બેઠા હતા. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4.22 લાખ વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગેરરીતીને અટકાવવા માટે સીસીટીવી કેમેરા મારફતે મોનીટરિંગ કરવામાં આવ્યું હતું. કોરોનાના કેસોમાં ઉછાળો આવતા સરકાર દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે. તા. 28મી માર્ચથી ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આરંભ થયો હતો.