નવી દિલ્હીઃ નાણાકીય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ 51 બિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 3.88 લાખ કરોડનું વિદેશી દેવું નહીં ચુકવવાની જાહેરાત કરી હતી. શ્રીલંકા નાણાની ચૂકવણી કરવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી રાહત પેકેજની રાહ જોઈ રહ્યું છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના ગવર્નર પી. નંદલાલ વીરસિંઘેના જણાવ્યા અનુસાર, વિદેશી દેવાની ચૂકવણીને અસ્થાયી રૂપે રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશ માટે દેવું ચૂકવવું પડકારજનક અને અશક્ય છે. આ સમયે આ યોગ્ય નિર્ણય છે.
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, ધિરાણ આપનારા દેશો અને અન્ય ધિરાણકર્તાઓ તેમની લોન પર વ્યાજ વસૂલી શકે છે અથવા શ્રીલંકાના રૂપિયામાં લોનના નાણાં ઉપાડી શકે છે. અમારી પાસે મર્યાદિત વિદેશી હૂંડિયામણ અનામત છે, જેનો ઉપયોગ અમે બળતણ જેવી આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવા માટે કરીશું. આનો અર્થ એ થયો કે શ્રીલંકા હવે ડોલરમાં ચૂકવણી કરવાની સ્થિતિમાં નથી.
દરમિયાન ભારતે મંગળવારે શ્રીલંકાને 11,000 મેટ્રિક ટન ચોખા મોકલ્યા હતા. ગયા અઠવાડિયે જ ભારતે શ્રીલંકાને 16,000 મેટ્રિક ટન ચોખા મોકલ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં શ્રીલંકાને 2,70,000 મેટ્રિક ટન કરતાં વધુ ઇંધણની સપ્લાય કર્યું છે. શ્રીલંકામાં આર્થિક કટોકટી વધુ ઘેરી બનવાની સાથે લોકોનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. બીજી તરફ સરકાર પણ પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કરી રહી છે. રાજધાની કોલંબોમાં રે વિરોધ કરી રહેલા સેંકડો વિદ્યાર્થીઓને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ વિદ્યાર્થીઓ શ્રીલંકાની સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા. શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ જાહેરાત કરી હતી કે, તેઓ ખેડૂતો માટે ખાતર સબસિડી પુનઃસ્થાપિત કરશે. આર્થિક સંકટના ઘેરા થવાને કારણે સરકારે ઘણી સુવિધાઓ અને સબસિડી પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.