પાકિસ્તાનઃ સત્તામાંથી દૂર થયા બાદ ઈમરાન ખાનની મુશ્કેલી વધી, ગ્રીફ્ટ મુદ્દે FIAએ તપાસ શરૂ કરી
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન પદ ઉપરથી ઈમરાન ખાન હટતાની સાથે જ તેની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈમરાનની સામે ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએ)એ કાર્યવાહી શરૂ કરી છે. વિદેશથી મળેલી ગિફ્ટ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર, ઈમરાને વિદેશથી મળેલી લગભગ 18 કરોડની ગિફ્ટ્સ એક નજીકની વ્યક્તિને વેચી હતી અને તેમાંથી મોટાભાગની રકમ પોતાની પાસે રાખી હતી. જ્યારે થોડાના જ નાણા સરકારી તિજોરીમાં જમા કરાવ્યાં હતા.
પાકિસ્તાન મીડિયાના રિપોર્ટ અનુસાર, FIA એ ઈમરાન ખાન અને સૈયદ બુખારી વિરુદ્ધ નેકલેસ વેચવાના આરોપમાં તપાસ શરૂ કરી છે. આ ભેટ પાકિસ્તાન માટે હતી અને તે સરકારી તિજોરીમાં જમા કરાવવાની હતી. અહેવાલો અનુસાર ઈમરાન ખાન જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમને વિદેશમાંથી ભેટ મળી હતી. તેમણે તેને સરકારી તિજોરીમાં જમા કરાવી ન હતી અને ભૂતપૂર્વ વિશેષ સહાયક ઝુલ્ફી બુખારીને આપી હતી. તેણે લાહોરના એક જ્વેલરને રૂ. 18 કરોડમાં વેચી દીધું હતું. તેણે સરકારી તિજોરીમાં માત્ર થોડા લાખ રૂપિયા જમા કરાવ્યા. FIAએ આ મામલે તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ્સમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, લાહોરના પ્રખ્યાત જ્વેલરે તેને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કાયદા અનુસાર, જે પણ ભેટ મળે છે, તે સરકારી તિજોરીમાં જમા કરાવવાની હોય છે. જો તેઓ ભેટ આપનારને અથવા તો ભેટની રકમનો અડધો ભાગ જમા કરાવતા નથી, તો તે ગેરકાયદેસર છે.