અમદાવાદઃ શહેરમાં વધતા જતાં વાહનોને કારણે પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ઈ-રિક્ષા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પોતાનું વાહન યુનિ.ના મુખ્ય પાર્કિંગમાં પાર્ક કરીને ઈ-વાહનો દ્વારા જે તે ભવનોમાં જઈ શકશે. એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટમાં કામ માટે જવા માટે સ્ટાફ પણ ઈ રીક્ષાનો ઉપયોગ કરી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વધી રહેલા પ્રદૂષણને લઈને ગુજરાત યુનિવર્સિટીમાં એક નવી સુવિધા શરૂ કરવામાં આવશે.સમગ્ર યુનિવર્સિટીને પ્રદૂષણ મુક્ત કરવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યાં છે. સામાન્ય રીતે યુનિવર્સિટીના કેમ્પસમાં હાલમાં સેંકડો વાહનો આવે છે.જેના કારણે વધુ પ્રદૂષણ થાય છે. તે રોકવા હવે યુનિવર્સિટી કેમ્પસમાં ઈ રિક્ષા શરૂ કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીને અત્યારે પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે બે ઈ રિક્ષાઓ એલ્યુમની દ્વારા ભેટ આપવામાં આવી છે.આ બંને ઈ રીક્ષા શરૂઆતમાં કેમ્પસમાં કચરો એકત્ર કરવા અને સામાન ફેરવવા તથા બીજી ઈ-રિક્ષા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના ટ્રાન્સપોર્ટેશન માટે રાખવામાં આવશે. એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટમાં કામ માટે જવા માટે સ્ટાફ પણ ઈ રીક્ષાનો ઉપયોગ કરી શકશે. શરૂઆતના તબક્કે કેટલીક જગ્યાએ પોઇન્ટ નક્કી કરવામાં આવશે.આ માટે એક નિશ્ચિત જગ્યા પર વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીઓએ વાહન પાર્ક કરવાનું રહેશે. આ ઈ-રિક્ષા શરુ થતા કેમ્પસમાં ડીઝલ તથા પેટ્રોલથી ચાલતા વાહનોના પ્રદુષણ તથા ધ્વનિ પ્રદુષણથી રાહત મળશે. પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ મોટા પાયે ઈ રિક્ષા શરૂ કરવામાં આવશે.