નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ કેન્દ્ર દ્વારા પ્રાયોજિત સુધારવામાં આવેલી રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA)ની યોજનાઓનો અમલ તા. 1લી એપ્રિલ 2022 થી 31મી માર્ચ 2026 સુધીના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. પંચાયતી રાજ સંસ્થાઓની સુશાસન ક્ષમતાઓ વિકસાવવા માટે આ મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાઓમાં કુલ રૂપિયા 5911 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર RGSAની મંજૂરી આપવામાં આવેલી યોજનાથી 2.78 લાખ કરતાં વધારે ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મદદ મળી રહેશે જેમાં સમગ્ર દેશમાં રહેલી પરંપરાગત સંસ્થાઓ પણ સામેલ છે. આનાથી ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને સહિયારા સ્થાનિક સુશાસન દ્વારા SDG ડિલિવર કરવા માટે સુશાસનની ક્ષમતાઓ વિકસાવવામાં મદદ મળી રહેશે. SDGના મુખ્ય સિદ્ધાંતો એટલે કે, કોઇપણ પાછળ ના રહેવું જોઇએ, સૌથી દૂરના લોકો સુધી સૌથી પહેલા પહોંચવું અને સાર્વત્રિક કવરેજ તેમજ લૈંગિક સમાનતાને તમામ ક્ષમતા નિર્માણ હસ્તક્ષેપોમાં સમાવી લેવામાં આવશે જેમાં તાલીમ, તાલીમના મોડ્યૂલ અને સામગ્રીઓ પણ સામેલ રહેશે.
પંચાયતોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ હોય છે અને તેઓ પાયાના સ્તરે સૌથી નજીકથી સંસ્થાઓ સાથે જોડાયેલા હોય છે માટે, પંચાયતોનું મજબૂતીકરણ કરવાથી હિસ્સેદારી અને સમાવેશીતાને પ્રોત્સાહન મળશે તેમજ સમુદાયનો સામાજિક ન્યાય અને આર્થિક વિકાસ પણ થઇ શકશે. PRI દ્વારા ઈ-ગવર્નન્સનો ઉપયોગ વધારવાથી સેવાની બહેતર ડિલિવરી કરી શકાશે અને પારદર્શિતા પ્રાપ્ત કરવામાં મદદ મળી શકશે. આ યોજનાથી ગ્રામ સભાઓને અસરકારક સંસ્થાઓ તરીકે કામ કરવા માટે મજબૂત બનાવશે જેમાં નાગરિકો અને ખાસ કરીને સંવેદનશીલ સમૂહોનો સામાજિક સમાવેશ થાય છે. તેનાથી પર્યાપ્ત માનવ સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે PRIની ક્ષમતા નિર્માણ માટે સંસ્થાકીય માળખું સ્થાપિત થશે. SDG પ્રાપ્ત કરવામાં પંચાયતોની ભૂમિકાને ઓળખવા અને તેમનામાં તંદુરસ્ત સ્પર્ધાની ભાવના કેળવવા માટે રાષ્ટ્રીય મહત્વના માપદંડોના આધારે પ્રોત્સાહન આપીને પંચાયતોને તબક્કાવાર મજબૂત કરવામાં આવશે.
આ યોજના હેઠળ કોઇ કાયમી હોદ્દા બનાવવામાં આવશે નહીં પરંતુ આ યોજનાના અમલીકરણ માટે અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો આ યોજના હેઠળના લક્ષ્યો પ્રાપ્ત કરી શકે તેમાં તેમને મદદરૂપ થવા માટે ટેકનિકલ સહાયના ઉદ્દેશથી જરૂરિયાતના આધારે કરાર ધોરણે માનવ સંસાધનોને નિયુક્ત કરવામાં આવી શકે છે. સમગ્ર દેશમાં અંદાજે 60 લાખ ચૂંટાયેલા પ્રતિનિધીઓ, કામ કરનારાઓ અને પરંપરાગત સંસ્થાઓ સહિત ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓના અન્ય હિતધારકો આ યોજનાના પ્રત્યક્ષ લાભાર્થીઓ રહેશે.