ઈજનેરી કોલેજના અધ્યાપકો 14 એપ્રિલથી પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે લડત શરૂ કરશે
અમદાવાદઃ રાજ્યમાં શિક્ષકો જુના પેન્શનની યોજના લાગુ કરવા માટે લડત આપી રહ્યા છે. ત્યારે ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પણ જુની પેન્શન યોજના લાગુ કરવા માટે લડત આપવાનું નક્કી કર્યું છે. વર્ષ 2005થી ભરતી થયેલા અધ્યાપકોને જુની પેન્શન યોજના લાગુ પડતી નથી. આથી રાજ્ય સરકારના કર્મચારીઓ અને શિક્ષકોની જેમ હવે ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પણ પેન્શન સહિત વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે લડત આપવાનું નક્કી કર્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં અનેક સરકારી કર્મચારીઓ કેટલાક પડતર પ્રશ્નોને લઈને સરકારથી નારાજ છે, ત્યારે રાજ્યના ઈજનેરીના કોલેજના અધ્યાપકો પણ પડતર પ્રશ્નોનું નિવારણ ના આવતા 14 એપ્રિલથી સરકાર સામે અભિયાન ચલાવશે અને પોતાની માંગણીઓ પૂરી કરવા રજૂઆત કરશે. અત્યારે તમામ સરકારી કર્મચારીઓની મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના શરુ કરવાનો છે, ત્યારે ઈજનેરી કોલેજના અધ્યાપકોના મંડળ ગુજરાત રાજ્ય સરકારી ઈજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ પણ આ માંગણીને લઈને અભિયાન શરુ કરવાનું નક્કી કર્યું છે. જેમાં 14 એપ્રિલે બપોરે 2 થી 5 વાગ્યા સુધી #padatrprshno સાથે ટ્વીટર પર અભિયાન કરાશે. આ સાથે જ 14 એપ્રિલનો દિવસ પેન્શન બંધારણ અધિકારી દિવસ તરીકે મનાવશે. 14 તારીખે અધ્યાપકો બાબાસાહેબ આંબેડકરના ફોટોને પુષ્પાંજલિ અર્પણ કરીને મંડળના સભ્યો સાથે પ્લે કાર્ડ બનાવી ફોટા પડાવશે. આ ઉપરાંત નવા કાર્યક્રમ પણ અગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, જીટીયુ સંલગ્ન સરકારી ડિગ્રી અને ડિપ્લોમાની ઈજનેરી કોલેજોના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નોને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જેમાં જુની પેન્શન યોજના લાગુ કરવાની મુખ્ય માગણી છે.