મોરબીઃ કચ્છના નાના રણમાં ઘુડખર અભ્યારણની હળવદ રેન્જના ટીકર અને કીડી પાસે બેરોકટોક કેમિકલની ફેક્ટરીઓ ઊભી થઈ ગઈ છે. જેના લીધે કેમિકલયુક્ત પાણીને લીધે રણમાં વસવાટ કરતા અમૂલ્ય એવા વન્ય જીવો અને જૈવિક વિવિધતાને પારાવાર નુકશાન થઈ રહ્યુ છે. આવી ગેરકાયદેસર અને હિચકારી પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી અટકાવવાની વિવિધ સામાજિક આગેવાનોની રજૂઆતો બાદ વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર મુલાકાત લઈને પર્દુષણ અને ઝેરી કચરો ઠાલવતી કેમિકલ ફેકટરીઓના સંચાલકોને નોટિસ ફટકારી હતી.
કચ્છના નાના રણ એવા હળવદ નજીક ટિકર અને કીડી પાસે અસંખ્ય કેમિકલ ફેકટરીઓ ધમધમી રહી છે. રણ વિસ્તારમાં બ્રાહ્મણી નદી અને સ્થાનિક કુદરતી પ્રવાહને પ્રદૂષિત કરવામાં આવે છે. આથી મદદનીશ નાયબ વન સંરક્ષક અનીલ રાઠવાએ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરતા ઘુડખર અભ્યારણ્યના નેચરલી હેબીટાડ તેમજ આ વિસ્તાર બાયોસ્ફિયર રિઝર્વ ફોરેસ્ટમાં અસંખ્ય વન્ય જીવોં અને અહીંના કલ્ચરને કેમિકલ્સયુક્ત પ્રદુષિત પાણીથી ભારે નુકશાન પહોચી રહ્યાનું જાણવા મળ્યુ હતું. ત્યારબાદ ફોરેસ્ટ રેન્જના અધિકારીઓએ કેમિકલ વેસ્ટ સેમ્પલ એકઠા કર્યા હતા.
હળવદ તાલુકાના ટીકર, કીડી જોગડ સહિત અનેક જગ્યાએ આવેલા રણમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાને લઈને સામાજીક આગેવાન ડો. ચતુર ચરમારીએ કેમિકલ વેસ્ટ અટકાવવા માટે પી.સી.સી.એફ ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી. જેના પગલે તંત્ર દોડતું થઈ ગયું અને ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા સ્થળ પર જઇ ફેકટરીના કેમિકલ વેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હળવદની ઔધોગિક વસાહતમાં આવતાં 10 જેટલા જુદા જુદા કેમિકલ ઔધોગિક એકમોને પાણીનું અને ઘન કચરાનું કચ્છના નાના રણ પ્રદૂષણ ફેલાવવાના મુદ્દે ઘુડખર અભ્યારણ રેન્જ કચેરી હળવદ દ્વારા નોટીસો પણ ફટકારવામાં આવી હતી. જેને લઈ બેરોકટોક અભ્યારણ વિસ્તારમા પ્રદૂષણ ફેલાવતા એકમોના માલિકોમા ફફડાટ વ્યાપી ગયો હતો.
અભ્યારણ વિસ્તારની સેન્ચુરી જગ્યાઓ ઉપર પ્રદુષિત ઘન કચરાનો નિકાલ તથા બેરોકટોક રીતે કેમિકલ યુક્ત પાણીના પ્રદૂષણ સહિતના બનાવોમા અવારનવાર બનતા કેટલાક ઔધોગિક એકમો રંગે હાથ ઝડપાઈ ગયા છે. આ અંગેની વધુ તપાસ મદદનીશ નાયબ વન સંરક્ષક ઘુડખર અભ્યારણ કચેરી ધ્રાંગધ્રાના અનીલકુમાર રાઠવા કરી રહ્યાં છે.