ઉત્તરપ્રદેશઃ અમેઠીમાં ટ્રક અને જીપકાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, 4 ઘાયલ
લખનૌઃ ઉત્તર પ્રદેશમાં અમેઠીના ગૌરીગંજમાં ટ્રક અને જીપ વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં છ વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. જીપકારમાં કેટલાક લોકો પરત ઘરે ફરી રહ્યાં હતા ત્યારે માર્ગમાં આ દૂર્ઘટના સર્જાઈ હતી.
પોલીસ અધિક્ષક દિનેશ સિંહે જણાવ્યું હતું કે, બાબુગંજ પાસે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. અહીં સરઘસમાંથી પરત ફરી રહેલી જીપ ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં છ લોકોના મોત થયા છે. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. તમામ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં છે.
રાયબરેલીના નસીરાબાદ વિસ્તારમાં લગ્ન પ્રસંગ્રમાંથી જીપકારમાં કેટલાક લોકો પરત ફરી રહ્યાં હતા. ત્યારે ગૌરીગંજ વિસ્તારના બાબુગંજ સાગર આશ્રમ પાસે સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે લખનૌ ખસેડવામાં આવ્યાં છે. જીપકાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા જીપમાં સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં કલ્લુ (ઉ.વ.40) તેનો પુત્ર સૌરભ (ઉ.વ.8), કૃષ્ણ કુમાર સિંહ (ઉ.વ 30), શિવ મિલન, રવિ તિવારી અને ત્રિવેણી પ્રસાદના મૃત્યુ થયા હતા. નજરેજોનારા લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો ગંભીર હતો કે, જીપના ફુરચા ઉડી ગયા હતા.