અમદાવાદઃ સુરતમાં ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો. આવતીકાલે આરોપીને કોર્ટ સજાનો ચુકાદો સંભળાવે તેવી શકયતા છે. કોર્ટે આજીવન કેદ તથા ફાંસી કેમ ના આપવી તે અંગે આરોપી ફેનીલને સવાલ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 12મી ફ્રેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ફેનિલ ગોયાણીએ સરાજાહેર છરાના ઘા મારીને હત્યા કરી હતી. આરોપી યુવતી એકતરફી પ્રેમ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. આ સમગ્ર કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને ઉંડાણપૂર્વકની તપાસના અંગે ગણતરીના દિવસોમાં જ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટ દ્વારા આરોપી સામે ચાર્જફાઈલ કરીને કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલે કેસમાં મહત્વના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને સાક્ષીઓને તપાસ્યાં હતા. તેમજ સમાજમાં દાખલો બેસે તેવી આકરી સજા કરવાની માંગણી કરી હતી. સુરતની અદાલતમાં સુનાવણી પૂર્ણ થતા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. દરમિયાન અદાલતે આરોપી ફેનિલને કસુરવાર ઠરાવ્યો હતો. તેમજ આવતીકાલે આરોપીને સજાનો આદેશ કરવામાં આવશે. જો કે, કોર્ટે ફેનિલને દોષિત જાહેર કર્યા બાદ પૂછ્યું હતું કે, તમને મૃત્યુદંડ કેમ ન આપવો? નિસહાય હથિયાર વગરની યુવતીનો મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. કોર્ટે પૂછેલા પ્રશ્નો એક પણ વખત ફેનિલે જવાબ ન આપ્યો.
ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું.