નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક સેવા દિવસના ઉપક્રમે આજે નવી દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં વડાપ્રધાનનાં જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનએ નાગરિક સેવા દિવસ પર તમામ ‘કર્મયોગીઓ’ને અભિનંદન આપ્યાં હતાં. તેમણે વહીવટ સુધારવા અને માહિતી-જાણકારીની વહેંચણી વધારવા સૂચનો સાથે તેમના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે સૂચન કર્યું હતું કે, તમામ તાલીમ સંસ્થાઓ સાપ્તાહિક ધોરણે પુરસ્કાર વિજેતાઓના અનુભવો અને પ્રક્રિયાઓ વર્ચ્યુઅલ માધ્યમો થકી વહેંચી શકે છે. બીજું, પુરસ્કાર વિજેતા વિવિધ પ્રોજેક્ટમાંથી થોડા જિલ્લાઓમાં અમલીકરણ માટે કોઈ એક યોજના પસંદ કરી શકાશે અને આ અંગેના અનુભવની ચર્ચા આગામી વર્ષના નાગરિક સેવા દિવસે થઈ શકશે.
વડાપ્રધાનએ એ બાબત યાદ કરી હતી કે, તેઓ છેલ્લાં 20થી 22 વર્ષથી સનદી અધિકારીઓ સાથે સંવાદ કરે છે, પહેલા મુખ્યમંત્રી તરીકે અને પછી વડાપ્રધાન તરીકે. તેમણે કહ્યું હતું કે, આ સંવાદપ્રક્રિયા આ એકબીજા પાસેથી શીખવાનો અનુભવ આપે છે. શ્રી મોદીએ ચાલુ વર્ષની ઉજવણીના મહત્વ પર ભાર મૂક્યો હતો, કારણ કે આ ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષમાં થઈ રહી છે. તેમણે વહીવટદારોને આ વિશેષ વર્ષમાં જિલ્લાના અગાઉના જિલ્લા વહીવટદારો સાથે વાત કરવા જણાવ્યું હતું. એનાથી જિલ્લામાં નવી ઊર્જાનો સંચાર થશે અને અગાઉના અનુભવ દ્વારા સુમાહિતગાર જિલ્લા વહીવટીતંત્રના પરિપ્રેક્ષ્યમાં આવકાર્ય ગતિશીલતા પ્રદાન થશે. એ જ રીતે આ સીમાચિહ્ન વર્ષી ઉજવણી કરવા રાજ્યોના મુખ્યમંત્રીઓ પૂર્વ મુખ્ય સચિવો, કેબિનેટ સચિવો સાથે વાત કરી શકે છે તથા વહીવટી મશીનરીના પથપ્રદર્શકોના અનુભવોનો લાભ લઈ શકે છે, જેમણે સ્વતંત્ર ભારતની સફરમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષમાં નાગરિક સેવાનું સન્માન કરવાની ઉચિત રીત બની રહેશે.
તેમણે જણાવ્યું હતું કે, અમૃતકાળ અગાઉની ઉપલબ્ધિઓની ઉજવણી કરવા કે પ્રશંસા કરવા માટે નથી તથા આઝાદીના 75મા વર્ષથી 100મા વર્ષ સુધીની સફર સામાન્ય ન હોઈ શકે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “India @100 સામાન્ય ન હોઈ શકે. આ 25 વર્ષના અમૃતકાળને એક યુનિટ તરીકે લેવો જોઈએ અને આપણે હવે પછીના વિઝન સાથે અગ્રેસર થવું જોઈએ. આ ઉજવણી દેશના ઇતિહાસમાં વળાંકરૂપ બનવી જોઈએ. દરેક જિલ્લાએ આ જુસ્સા સાથે આગળ વધવું પડશે, અગ્રેસર થવું પડશે. આ માટેના પ્રયાસોમાં કોઈપણ પ્રકારની કચાશ કે ઢીલાશ ચલાવવી ન જોઈએ અને આ ગાળો વર્ષ 1947ના આ દિવસે સરદાર પટેલે આપેલી દિશા અને દેશવાસીઓ માટે નિર્ધારિત કરેલી કટિબદ્ધતાઓ પૂર્ણ કરવા માટે આપણી જાતિને પુનઃસમર્પિત કરવાનો કાળ છે.”
વડાપ્રધાનએ કહ્યું હતું કે, આપણા લોકતાંત્રિક માળખામાં આપણે ત્રણ લક્ષ્યાંકો પ્રત્યે કટિબદ્ધ થવું જોઈએ. પ્રથમ લક્ષ્યાંક છે – દેશના સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન થવું જોઈએ, તેમનું જીવન સરળ બનવું જોઈએ અને તેઓ આ સરળતા અનુભવી શકવા પણ જોઈએ. સામાન્ય નગારિકોને સરકાર, સરકારી ફાયદા અને સરકારી સેવાઓ કોઈપણ પ્રકારની અડચણ વિના સરળતાપૂર્વક સુલભ થવી જોઈએ, આ માટે તેમણે સંઘર્ષ ન કરવો પડે એ આપણે જોવું જોઈએ.
તેમણે ઉમેર્યું હતું કે, “સામાન્ય નાગરિકના સ્વપ્નોને સંકલ્પના સ્તરે લઈ જવા એ વ્યવસ્થાની જવાબદારી છે. આ સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવો જોઈએ અને આ આપણા તમામ માટેનો લક્ષ્યાંક હોવો જોઈએ. આપણે સ્વપ્ન કે સંકલ્પથી સિદ્ધિ સુધીની આ સફરમાં દરેક તબક્કે ઉપયોગી થવું જોઈએ.” બીજો લક્ષ્યાંક છે – આંતરરાષ્ટ્રીય ભારતના વધતા કદ અને મહત્વને ધ્યાનમાં રાખીને હવે જરૂરી થઈ ગયું છે કે, આપણે જે કંઈ પણ કરીએ એ વૈશ્વિક સંદર્ભમાં કરવું પડશે. જો આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ પ્રવૃત્તિઓને નહીં અનુસરીએ, તો આપણી પ્રાથમિકતાઓ અને ચોક્કસ ક્ષેત્રો નિર્ધારિત કરવામાં બહુ મુશ્કેલી પડશે. આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આપણી યોજનાઓને અને વહીવટી મોડલને વિકસાવવાની જરૂર છે.
વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણી વ્યવસ્થાઓ અને મોડલ્સને નિયમિત દરે અપડેટ કરતાં રહેવું પડશે, આપણે વર્તમાન પડકારોનું સમાધાન ગત સદીની વ્યવસ્થાઓ સાથે ન કરી શકીએ. તેમણે કહ્યું હતું કે, “ત્રીજો લક્ષ્યાંક છે – આપણે આપણા દેશની વ્યવસ્થામાં ગમે તે સ્થાનમાં હોય, પણ આપણી મુખ્ય જવાબદારી દેશની એકતા અને અખંડિતતાને અક્ષ્ણુ જાળવવાની છે. તેની સાથે કોઈ સમાધાન ન થઈ શકે. આ બાબતને હાર્દમાં રાખીને દરેક સ્થાનિક નિર્ણયો પણ લેવા જોઈએ. આપણા દરેક નિર્ણયનું મૂલ્યાંકન એની દેશની એકતા અને અખંડિતતાને મજબૂતી પ્રદાન કરવાની ક્ષમતાને આધારે થવું જોઈએ. આપણા દરેક નિર્ણયોના કેન્દ્રમાં હંમેશા ‘રાષ્ટ્ર પ્રથમ’ હોવું જોઈએ.”