જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે ત્રાસવાદી ઠાર મરાયાં
નવી દિલ્હીઃ જમ્મુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના બે દિવસ પહેલા જ જમ્મુના સુંજવાન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતી. આ એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓ માર્યા ગયા હતા. એક જવાન પણ શહીદ થયો હતો જ્યારે છ જવાન ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ સવારે 4.25 કલાકે આતંકવાદીઓએ ચઠ્ઠા કેમ્પ પાસે સીઆઈએસએફની બસ પર અચાનક ગ્રેનેડથી હુમલો કર્યો હતો. બસમાં CISFના 15 જવાન હતા. આ હુમલા બાદ તરત જ બંને આતંકીઓ છુપાઈ ગયા હતા. આ હુમલા બાદ આતંકીઓ સાથે સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું અને પાંચ કલાક બાદ બંને માર્યા ગયા હતા.
આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે બંને આતંકવાદીઓ એન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયા છે. જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓને માહિતી મળી હતી કે આતંકવાદીઓ જમ્મુમાં તેમની નાપાક ગતિવિધિઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંને ફિદાયનો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
આતંકવાદીઓ પાસેથી બે એકે 47 રાઈફલ, સેટેલાઇટ ફોન અને અન્ય ગુનાહિત વસ્તુઓ મળી આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટરમાં 11 જવાન ઘાયલ થયા છે. સુંજવાનમાં ચાલી રહેલા એન્કાઉન્ટર બાદ જમ્મુ શહેરની આસપાસ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. શહેરના આંતરિક અને બહારના વિસ્તારમાં આવેલા નાકાઓ પરથી પસાર થતા દરેક વાહનની તલાશી લેવામાં આવી રહી છે.