કાંકરિયા લેક અને ઝૂ પ્રવાસીઓ માટેનું બન્યુ ડેસ્ટેશન, 11 મહિનામાં 22 લાખ લોકોએ લીધી મુલાકાત
અમદાવાદઃ શહેરમાં કાંકરિયા ઝૂ પ્રવાસીઓ માટે હવે મુખ્ય ડેસ્ટીનેશન બની ગયું છે. બહારગામથી અમદાવાદમાં ફરવા માટે આવતા લોકો પણ કાંકરિયા ઝૂની અવશ્ય મુલાકાત લેતા હોય છે. કોરોના મહામારી બાદ લોકો હવે હરતા ફરતાં થયાં છે. પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ વધી રહી છે. ત્યારે. શહેરમાં કાંકરિયા લેક પણ પ્રવાસીઓથી ધમધમતો થયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી 19 એપ્રિલ સુધીમાં કાંકરિયા લેક ખાતે કુલ 9.26 લાખ મુલાકાતીઓ આવ્યાં હતાં. જ્યારે કાંકરિયા ઝૂની છેલ્લા 11 મહિનામાં 22 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. હવે સ્કૂલોમાં ઉનાળાનું વેકેશન શરૂ થતું હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં પ્રબળ વધારો થાય તેવી શક્યતાઓ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી ગયું છે. કોરોનાની ગાઈડલાઈનના બંધનથી મુક્તિ મળતાં હવે લોકો ફરવા નીકળ્યાં છે. કાંકરિયા લેક ખાતે સવારના સમયે મોર્નિંગ વોક કરવા જતાં લોકોની સંખ્યામાં પણ હવે વધારો થયો છે. બીજી બાજુ કાંકરિયા ઝૂ ખાતે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની એક જોડી પણ લાવવામાં આવી છે. તે ઉપરાંત લેકમાં ગ્રીનરીનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું હોવાથી લોકો બપોરના સમયે ત્યાં આવીને સમય પસાર કરી રહ્યાં છે. કાંકરિયા ઝૂ ઉપરાંત નોક્ટર્નલ ઝૂ સહિત કિડ્સ સિટીમાં પણ મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે. આ વર્ષે જાન્યુઆરીથી 19 એપ્રિલ-2022 સુધીમાં કિડસસિટી ખાતે 6348 મુલાકાતી પહોંચ્યા હતા. કાંકરિયા પ્રાણી ઝૂ અને નોક્ટર્નલ ઝૂ ખાતે 15 જૂન -2021થી 24 માર્ચ-2022 સુધીમાં કુલ મળીને 22 લાખ 96 હજાર 783 લોકોએ મુલાકાત લીધી હતી.આ સમય દરમિયાન કુલ આવક 5 કરોડથી વધુ થવા પામી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં 1951માં કમલા નહેરૂ પ્રાણીસંગ્રહાલય બન્યા બાદ એકપણ વખત પાંજરાં બદલવામાં આવ્યાં નથી, જેથી 71 વર્ષ બાદ પ્રાણીસંગ્રહાલયના પાંજરાં બદલવા અને એના રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાણીઓને તેમની અનુકૂળતા પ્રમાણે રહી શકે એવાં પાંજરાં બનાવવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દિલ્હી ખાતેથી પરમિશન લઈને એને બદલવાની કામગીરી વર્ષ 2022-23ના બજેટમાં મુકાઈ છે. બીજી તરફ કાંકરિયામાં ફ્રેન્ડ્સ ઓફ ઝૂ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં માત્ર 25 પ્રાણીઓ દત્તક લેવામાં આવ્યાં છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઝૂમાં રાખવામાં આવેલા તમામ પશુ-પક્ષીઓના ખાધાખોરાકીની જવાબદારી કોરોના મહામારીના સમયમાં પણ સુપેરે પાર પાડી હતી. 2021-22માં કુલ 25 પ્રાણી દત્તક લેવામાં આવતા ઝૂને આ પેટે 5.33 લાખની આવક થવા પામી હતી. ફ્રેન્ડઝ ઓફ ઝૂ યોજના હેઠળ રીંછ ઉપરાંત કંચનમૃગ, શાહુડી, હાથણી, ઝરખ, સસલા ઉપરાંત પક્ષીઓમાં મોર, લવબર્ડ, સફેદ ડવ, સફેદ મોર, ઘુવડ, બજરીગર, ગીધ તથા સરિસૃપમાં ટોરટોઈઝ, નાગ, અજગર અને ટરટલ જેવા પ્રાણીઓ દત્તક લેવામાં આવી રહ્યા છે.