આજના સમયમાં કરોડોની સંખ્યામાં લોકો શેર બજારમાં રોકાણ કરે છે. રોજ અબજો રૂપિયાના શેર વેચાય છે અને ખરીદવામાં પણ આવે છે પણ કેટલાક શેર એવા છે જેને ખરીદવા વિશે કોઈ વિચારી પણ શકે નહી અને કારણ છે તેની કિંમત.
શું તમને ખબર છે કે એક કંપની એવી પણ છે જેના એક શેરની કિંમત છે ચાર કરોડ રૂપિયા. તમે જે વાંચ્યું તે બરોબર છે પણ હવે તે કંપની વિશે વધારે માહિતી જાણો.
જો વાત કરવામાં આવે દુનિયા સૌથી મોંઘા શેરની તો બર્કશાયર હેથવે ઈન્ક.(Berkshire Hathaway Inc.)વિશ્વનો સૌથી મોંઘો શેર છે. આ કંપનીના એક શેરની કિંમત 4 કરોડ રૂપિયાથી પણ વધુ છે. 20 એપ્રિલ સુધી બર્કશાયર હેથવે ઈન્ક.ના શેરની કિંમત 5,23,550 એટલે કે 4,00,19,376 રૂપિયા હતી. દરેક રોકાણકાર આ કંપનીમાં પૈસા રોકવા માગે છે, પરંતુ જ્યારે ઓછામાં ઓછા 4 કરોડ રૂપિયા હશે, તો જ તેઓ શેર ખરીદી શકશે. આવી સ્થિતિમાં, બર્કશાયર હેથવે ઈન્કમાં રોકાણ કરવું એ મોટાભાગના લોકો માટે એક સ્વપ્ન જોવા સમાન છે.
જો વાત કરવામાં આવે કંપનીના બિઝનેશ વિશે તો બર્કશાયર હેથવે ઈન્ક કંપનીના પ્રમુખ વોરેન બફેટને આજની તારીખમાં કોઈએ ઓળખની જરૂર નથી. સમગ્ર વિશ્વમાં લોકો સૌથી અનુભવી રોકાણકાર વોરેન બફેટને અનુસરે છે. એવું કહેવાય છે કે વોરન બફેટ જે કંપનીમાં રોકાણ કરે છે તેના દિવસો બદલાય જાય છે. ફોર્બ્સ અનુસાર, વોરેન બફેટ બર્કશાયર હેથવેમાં 16 ટકા ભાગ ધરાવે છે.
કંપનીનો મોટાભાગનો બિઝનેસ અમેરિકામાં છે. કંપનીમાં આશરે 3,72,000 કર્મચારીઓ કામ કરે છે. બર્કશાયર હેથવે ઈન્ક. અમેરિકા સિવાય ચીનમાં પણ વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યું છે. 1965માં જ્યારે વોરેન બફેટે આ ટેક્સટાઈલ કંપનીની કમાન સંભાળી ત્યારે તેના શેરની કિંમત $20 કરતા પણ ઓછી હતી.