નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાંથી મોટી માત્રામાં બોમ્બ અને હથિયારો મળી આવ્યા હતા. પોલીસે મોતના સામનને જપ્ત કરીને વધુ તપાસ આરંભી છે. આ બોમ્બ અને હથિયાર ઓટોમાં સંતાડીને રાખવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોલકાતાના હરિદેવપુરમાં 41 પલ્લી ક્લબ નજીક એક ઓટોમાંથી 19 બોમ્બ, એક પિસ્તોલ અને બે રાઉન્ડ ગોળીઓ પણ મળી આવી હતી. આ તમામ બોમ્બ અને હથિયારો એક થેલીમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે ઓટોમાંથી બોમ્બ અને હથિયારો જપ્ત કર્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.
ઘટનાની જાણ થતાં હરિદેવપુર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઓટોરિક્ષાનો માલિક કોણ હતો અને બોમ્બ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો કે કેમ. પોલીસે આ બોમ્બ અને હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં સપ્લાય કરવાના હતા તેની તપાસ શરૂ કરી છે.
પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં માલૂમ પડ્યું હતું કે ફાઇનાન્સિયલ કંપની દ્વારા ઓટો ગેરેજમાં પાર્ક કરવામાં આવી હતી કારણ કે માલિક EMI ચૂકવી શકે તેમ ન હોવાથી ફાઇનાન્સ કંપનીએ ઓટોનો કબજો લીધો હતો.
પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ગેરેજમાંથી ઓટો કોણ લઈ ગયું હતું. આ કિસ્સામાં પોલીસ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે અને આરોપીને શોધવાનો પ્રયાસ કરી રહી છે, જેણે ઓટો અને દારૂગોળો રાખ્યો હતો. મોટી માત્રામાં બોમ્બ અને હથિયારો મળવાથી વિસ્તારના લોકો ડરી ગયા છે. હાલ પોલીસ સંપૂર્ણ રીતે તપાસમાં લાગી ગઈ છે.