નવી દિલ્હીઃ પંજાબ પોલીસ દ્વારા એક નવો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં 184 પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો અને અન્ય નેતાઓની સુરક્ષા હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. અધિક પોલીસ મહાનિર્દેશક (સુરક્ષા) દ્વારા જાહેર કરાયેલા પત્રમાં માહિતી આપવામાં આવી છે. જો કે, આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટના વિશેષ આદેશ પર આપવામાં આવેલી સુરક્ષા પાછી લેવામાં આવશે નહીં. આ પત્ર પોલીસ કમિશનર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, પંજાબમાં આ બીજી વખત છે જ્યારે પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો પાસેથી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. અગાઉ, AAP સરકારે પંજાબમાં સત્તામાં આવ્યાના એક દિવસ પછી 11 માર્ચે 122 ભૂતપૂર્વ પ્રધાનો અને ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચી લેવાનો આદેશ આપ્યો હતો. જેમાં ભારત ભૂષણ આશુ, મનપ્રીત સિંહ બાદલ, રાજ કુમાર વેરકા, બ્રહ્મ મોહિન્દ્રા અને સંગત સિંહ ગિલજિયન સહિત ઘણા નેતાઓ પાસેથી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી.
જેમની સુરક્ષા પાછી ખેંચવાની છે તેમાં પૂર્વ મંત્રી સુરજીત કુમાર રાઠડા, સુચા સિંહ છોટેપુર, જનમેજા સિંહ સેખોન, બીબી જાગીર કૌર, મદન મોહન મિત્તલ, તોતા સિંહ અને ગુલઝાર સિંહ રાણીકેના સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ મુખ્યમંત્રીઓ અને અન્ય મંત્રીઓના પરિવારની સુરક્ષા પણ પાછી ખેંચી લેવામાં આવી છે, જેમાં પંજાબના પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્નીનો પરિવાર, પૂર્વ સીએમ અમરિંદર સિંહના પુત્ર રણિંદર સિંહ, પૂર્વ મંત્રી આદેશ પ્રતાપ સિંહ કૈરોનની પત્ની પુનીત કૌર, પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહના પરિવારનો પણ સમાવેશ થાય છે. નાણામંત્રી મનપ્રીત બાદલના પુત્ર અર્જુન બાદલની સુરક્ષા પણ પાછી ખેંચી લેવામાં આવશે.